સરકાર કાયદો તો ઘડે પણ તેનું પાલન ન થાય તો તે કાયદો નહીં પણ પોથીમાના રીંગણા!
ગુજરાતમાં સ્થાનિક વહીવટી તંત્રના પાપે સુરતના તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાથી લઈને સમયાંતરે પાંચથી છ દુર્ઘટના બની છે અને છેલ્લે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના પછી લોકોનો સરકાર તરફનો વિશ્વાસ ઉઠી ગયો હોય તેવા આક્રોશ વ્યક્ત થયા છે. ત્યારે સરકારે છેલ્લે આ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના પછી લોકમેળામાં યાંત્રિક રાઈડ માટે નવી એસોપી એટલે કે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. પરંતુ સ્થાનિક તંત્રની મહેરબાનીથી સરકારની આ નવી એસ. ઓ. પી.ના ધજીયા છે ઉડ્યા છે. રાજકોટમાં સ્થાનિકે મીડિયા જાગૃત હોવાથી તે જાહેર થયું છે ત્યારે મોરબીમાં તો તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ નવી એસ.ઓ.પી. નાં નિયમોની તો ઐસી કી તૈસી કરીને મેળા ના આયોજન થયા છે. ત્યારે મોરબી જિલ્લા કલેકટરને પત્ર પાઠવીને સો ઓરડી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર હરિભાઈ મોતીભાઈ રાતડીયાએ નવી એસ.ઓ.પી.ની પ્રમાણિક અમલવારી કરવા રજૂઆત કરી છે. સાંપ્રત સમયમાં ભ્રષ્ટાચારનો ગ્રાફ વધ્યો છે સરકાર ભ્રષ્ટાચારને નાથવા અથાગ પ્રયત્નો કરે છે પણ ક્યાંક ક્યાંક સ્થાનિકે રાજકીય આકાઓ સરકારના આવા પ્રયત્નોને ઠંડા પાડી દેતા હોય તેવું સામે આવ્યું છે કોઈપણ દુર્ઘટના બને છે તે કાયમી નથી બનતી અને બને છે ત્યારે અચાનક બને છે અને તેનો ભોગ નિર્દોષ સામાન્ય જનતા બને છે. સરકાર ઉપર માછલા ધોવાતા હોય છે ત્યારે સરકાર હરકતમાં આવે છે. નવા નિયમો બનાવી કાયદો અમલમાં મૂકે છે. અને આવા જ નિયમોથી એસ.ઓ.પી. નો કાયદો બનાવ્યો છે પણ સ્થાનિક વહીવટી તંત્રએ સરેઆમ આ નિયમોનું પાલન નથી કરાવ્યું.
ત્યારે મોરબીમાં શ્રાવણ માસ દરમિયાન મોરબી શહેર અને પાંચેય તાલુકામાં યોજાનારા મેળામાં નવી એસ.ઓ.પી.ના તમામ નિયમોનું પાલન કરાવવામાં આવે સરકારની ઇમેજને કોઈ લાંછન ન લાગે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર સજાગ અને પ્રમાણિક બને અને સરકાર શ્રી ના નવા કાયદાનું પૂરેપૂરું પાલન કરાવે તેવી રજૂઆત હરિભાઈ રાતડીયાએ કલેકટરને લેખિતમાં કરી છે. ત્યારે અધિકારી અને કર્મચારીને જે ફરજ સુઓ મોટો બજાવવાની હોય છે તે ફરજ બજાવવા માટે આ એક જાગૃત નાગરિકની રજૂઆત પછી પણ પ્રમાણિક ફરજો બજાવે છે કે કેમ? સ્થાનિક તંત્ર કેવું વલણ અપનાવે છે? તે જોવું રહ્યું..