ફળોના રાજા અને સૌરાષ્ટ્રની સોડમ ગણાતી કેસર કેરીને આ વર્ષે તાઉતે વાવાઝોડા અને કોરોના નડી ગયો. કોરોના મહામારીના કારણે નિકાસમાં થયેલા ઘટાડાના કારણે પહેલેથી જ નીચા ભાવનો મહારાષ્ટ્ર અને ગુજરાતના કેરી ઉત્પાદકો સામનો કરી રહ્યાં હતા તેની સાથે તાઉતે વાવાઝોડાએ કેર મચાવ્યો છે. વાવાઝોડા દરમિયાન ઝડપી પવન ફૂંંકાતા આંબાના ઝાડ પડી જવા સાથે 75 ટકાથી વધુ કેરી ખરી જવા સાથે નુકસાન થયું છે. તેમજ વાવાઝોડા પછી અચાનક કેરીની આવકમાં વધારો થતા અને ક્વોલિટી નબળી રહેવાના કારણે કેસર કેરીના ભાવ તાલાલા માર્કેટ યાર્ડમમાં ઘટીને પ્રતિ કિલો રૂ.4-20માં વેચાઇ હતી. જ્યારે મહારાષ્ટ્રની અલ્ફાંસોની કિંમત પ્રતિ પેટી રૂ.2200થી ઘટી રૂ.1000 રહી ગઇ હતી.આ વર્ષે માત્ર 150 ટનની જ નિકાસ થઈ શકશે.
દેશના હાફુસ હબ ગણાતા મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં સરેરાશ 750 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કેરીનો સરેરાશ કુલ 45 ટકા પાક બહાર આવી ચૂક્યો હતો. વાવાઝોડાના કારણે સરેરાશ 40 ટકા કેરી જમીન પર ખરી ગઇ હતી. હવે 15 ટકા જ પાક બચ્યો છે. અત્યાર સુધીમાં 2200-2400 રૂપિયામાં વેચાતી 5 ડઝન કેરીની પેટીની કિંમત અત્યારે એક હજાર રૂપિયા પર પહોંચી ગઇ છે.તાલાલા યાર્ડમાં કેરીની આવક 42% ઘટશે.તાઉતેથી પાકને નુકસાન સાથે કિંમત ઘટી.મીઠી કેરી ઉત્પાદકો માટે કડવી બની.