બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ તેની ફિલ્મમાં સક્રિય રહે છે અને સાથે સાથે કોઈપણ મુદ્દે બિન્દાસ ટીકા ટિપ્પણી આપવાની બાબતમાંપણ ચર્ચામાં બની રહે છે. તેમાં રિચાચઢ્ઢાનું નામ પણ શામેલ છે જે કોઈ પણ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં પાછળ નથી પડતી. તાજેતરમાં રિચાએ પીએમ મોદીની ભારત કેશ લેશ ઈકોનોમી વાળી વાત પર પ્રતિક્રિયા આપી. જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાસ્કોમ ટેક્નોલોજી અને લીડરશીપ ફોરમને સંબોધન કર્યું હતું. ડિજિટલ ટેકનોલોજીના ફાયદાઓનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે, “ડિજિટલ ટેકનોલોજીમાં થયેલા સુધારણાથી કાળા નાણાની સમસ્યા ઓછી થઈ છે. લોકો હવે વધુ મજબૂત બન્યા છે. ટૂંકા ગાળામાં, આપણે રોકડ આધારિત અર્થતંત્રથી ઓછી રોકડ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ.’ હવે રિચા ચઢ્ઢાએ વાયરલ થઈ રહેલી પીએમ મોદીની આ ટિપ્પણી પર પોતાનો જવાબ આપ્યો છે. રિચાએ પીએમ મોદીની ટિપ્પણીના જવાબમાં ખાલી વૉલેટનો એટલે કે ખાલી પાકીટનો એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે ટ્વિટ કર્યું કે, ‘આ એક ખૂબ જ પ્રામાણિક કબૂલાત છે. રોકડ ખરેખર ઓછી છે ‘. રિચાના આ ટ્વીટનો યુઝર્સ જવાબ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રિચા ચઢ્ઢા અગાઉ પણ તેના આવા રિએક્શનને લઈને ચર્ચામાં રહી છે. ઘણી વખત ચાહકોને લાગે છે કે તેમના શબ્દો સાચા છે, અને અમુક સમયે તે ટ્રોલિંગનો શિકાર પણ બની છે. તમને જણાવી દઇએ કે રિચાએ ખેડૂત આંદોલનના મુદ્દા પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. રિચાએ પ્રખ્યાત હોલીવુડ સિંગર રિહાન્ના અને એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગના ટ્વીટને રીટ્વીટ કરીને પોતાનો આભાર વ્યક્ત કર્યો. આ માટે ઘણા લોકો દ્વારા રિચાની ટીકા પણ કરવામાં આવી હતી. વર્કફ્રન્ટ વિશે વાત કરતાં રિચાની તાજેતરની ફિલ્મ ‘મેડમ ચીફ મિનિસ્ટર’ રિલીઝ થઈ હતી. આ સિવાય રિચા તેના બીજા પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત છે. ફિલ્મો અને સામાજિક મુદ્દાઓ ઉપરાંત રિચા અલી ફઝલ સાથેના સંબંધો વિશે પણ ચર્ચામાં રહે છે. રિચાએ સ્પષ્ટ કર્યું છે કે તે અને અલી ખૂબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાશે. ચાહકો પણ આ દંપતીના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.