કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર ના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ
વધુમાં વધુ પાત્રતા ધરાવતા યુવા મતદારોને આવરી લેવા સૂચન
આજરોજ કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર જે. ના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મતદારયાદીમાં નોંધાયેલા કુલ મતદારો, જેન્ડર રેશિયો, મહિલા તથા યુવા મતદારોની નોંધણી, ઇ.પી.રેશિયોમાં થયેલા સુધારો સહિતના માપદંડોની સમીક્ષા કરવામાં આવી હતી. કચ્છ કલેક્ટર અમિત અરોરા અને મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યાએ રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર જે. ને આવકારીને તેમનું સ્વાગત કર્યું હતું.
કચ્છ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટરો, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઈ.આર.ઓ પાસેથી વિગતો માંગીને રોલ ઓબ્ઝર્વરે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જેમાં ખાસ કરીને નવા યુવા મતદારો કે જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેમને આવરી લેવા અને ફોર્મ નં.૬, ૭, ૮ સહિતની કામગીરી યોગ્ય કરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમને સાર્થક કરવા સૂચના આપવામાં આવી હતી. ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ મુજબ કચ્છ અને મોરબી જિલ્લામાં યોગ્ય કામગીરી થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તબક્કાવાર દરેક માપદંડો ચકાસી વિવિધ જિલ્લાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી, લક્ષ્યાંકો સહિતની બાબતે માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
કચ્છ કલેક્ટર અને મોરબી કલેક્ટરે હાલમાં ચાલી રહેલી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરી અંગે રોલ ઓબ્ઝર્વરને પ્રેઝેન્ટેશનના માધ્યમથી અવગત કરાવ્યા હતા. બંને જિલ્લામાં મહિલા મતદારોની નોંધણી, જિલ્લાના જેન્ડર રેશિયોમાં થયેલા સુધારાની વિગતો, વસ્તી ગણતરીમાં નોંધાયેલ કુલ વસ્તી તેમજ મતદારયાદીમાં નોંધાયેલા મતદારો મુજબ ઈ.પી. રેશિયોમાં થયેલો સુધારો, ૧૮-૧૯ તેમજ ૨૦-૨૯ વયજૂથના યુવા મતદારોની નોંધણીમાં થયેલ વધારો વગેરે જેવી બાબતો ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કોઈપણ પાત્રતા ધરાવતો મતદાર બાકી ના રહી જાય અને ખાસ કરીને યુવા મતદારો જોડાય તે બાબતે કામગીરી કરવાની સૂચના રોલ ઓબ્ઝર્વરે તમામ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.