કોરોના વાયરસની બીજી લહેરથી દેશભરમાં થોડી રાહત મળી છે, પરંતુ આ રાહત વચ્ચે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાયોસિસ નામનો રોગ સતત આપત્તિજનક બની રહ્યો છે. કોરોનાથી સાજા થતા દર્દીઓમાં આ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જોકે ફાર્મા કંપની એમએસએન લેબોરેટરીઝે બ્લેક ફંગસ (મ્યુકોરમાયોસિસ) દર્દીઓની સારવાર માટે પોસાકોનાઝોલ (Posaconazole) દવા લોન્ચ કરી છે. બજારમાં એન્ટી ફંગલ દવા પોસાકોનાઝોલ લોન્ચ થતા ચેપગ્રસ્ત દર્દીઓને ઘણી રાહત મળશે.
દવા અને ઇન્જેક્શનની કિંમત શું છે ?
કંપનીએ જણાવ્યું હતું કે પોસવાન બ્રાન્ડ નામ હેઠળ પોસાકોનાઝોલ ટેબલેટને ૧૦૦ મિગ્રા અને ૩૦૦ મિગ્રાની ક્ષમતામાં ઇન્જેક્શન તૈયાર કરવામાં આવ્યું છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ) દ્વારા પણ આ દવાને મંજૂરી આપવામાં આવી છે.બ્લેક ફંગસની સારવારમાં અસરકારક પોસાવન બજારમાં ટેબલેટ દીઠ 600 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે ઇન્જેક્શન દીઠ કિંમત 8500 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, એમએસએનની આ એન્ટિ-ફંગલ દવા એ દવાઓના ક્ષેત્રમાં સંશોધન અને ઉત્પાદન ક્ષમતાનું પરિણામ છે.
કોવિડથી સાજા થયેલા દર્દીઓમાં વધુ લક્ષણો
કોવિડ-19માંથી સાજા થતા ઘણા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ એટલે કે, બ્લેક ફંગસ નામનો રોગ દર્દીઓને અસર કરી રહ્યો છે. તે એટલું ખતરનાક છે કે તેનાથી ઘણા લોકોના મોત નિપજ્યા છે. સાથે જ ઘણા લોકોના આંખોની રોશની પણ જતી રહી છે. બ્લેક ફંગસથી સૌથી વધુ અસર રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં થઈ છે. ૨ ડઝનથી વધુ રાજ્યો આ રોગચાળાની ઝપેટમાં આવી ગયા છે. ઘણા રાજ્યોએ આ રોગને મહામારી જાહેર કરી છે.
રાજસ્થાનમાં સૌથી વધુ બ્લેક ફંગસના કેસ
રાજસ્થાનમાં બ્લેક ફંગસના 700 નવા કેસ નોંધાયા છે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓને ફરીથી અહીંની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ કારણે હોસ્પિટલ પર દબાણ પણ વધી રહ્યું છે. ડોક્ટરો પણ આ રોગથી ચિંતિત હોય તેવું લાગી રહ્યું છે.