ઉદ્યોગપતિ રતન ટાટાની કાર નંબરનો ઉપયોગ કરવા બદલ મુંબઈ પોલીસે એક કંપનીની ડિરેક્ટર મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાને ટ્રાફિકના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.અને આઈપીસીની કલમ 420 અને 465 અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રતન ટાટાને ટ્રાફિકના નિયમો તોડવા માટેનું ચલણ મોકલવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પૂછપરછ કરતા મહિલાએ કહ્યું કે તેને આ અંગે કોઈ જાણકારી નથી. તે કોઈ જ્યોતિષીના કહેવાથી આ નંબરનો ઉપયોગ કરી રહી હતી. મુંબઈ પોલીસને મળેલી માહિતી અનુસાર, આ ઘટના મંગળવારે રાત્રે બની હતી આરોપી એક મહિલા હતી, તેથી પૂછપરછ માટે તેને રાત્રે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી ન હતી. બુધવારે મહિલાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. જ્યારે મહિલાની આ ભૂલ બદલ રતન ટાટાને ઇ-ચલન મોકલવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.ચલણના જવાબમાં ટાટા જૂથના અધિકારીઓએ કહ્યું હતું કે તેમની કાર દ્વારા ટ્રાફિકનું કોઈ ઉલ્લંઘન થયું નથી. આ પછી આ મામલો વધુ ગંભીર બન્યો, તપાસ કરતાં પોલીસે જ્યાંથી ઇ-ચલન બહાર પાડ્યું ત્યાંથી કેમેરાના સીસીટીવી ફૂટેજની તાપસ કરી. તપાસમાં બહાર આવ્યું હતું કે જે કારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેના પર રતન ટાટાની કાર નંબરની પ્લેટ છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મહિલા કાર કંપનીની ડિરેક્ટર છે. પોલીસે મહિલા અને તેની કંપની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. માટુંગા પોલીસ સ્ટેશનમાં કાર પણ કબજે કરવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસે સામાન્ય લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે ક્યારેય આવા બનાવટી નંબરનો ઉપયોગ ન કરો નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.