મોરબી જિલ્લામાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં પ્રતિબંધ મુકાયો
મોરબી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ- ૩ જાહેરાત ક્રમાંક ૨૮/૨૦૨૪- ૨૫ ની પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તારીખ ૨૨/૧૨/૨૦૨૪ ના રોજ આયોજિત પરીક્ષા સત્રમાં ચોરીના દુષણને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.
જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લામાં નિયત કરાયેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આગામી તારીખ ૨૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૦૧:૦૦ કલાક દરમિયાન લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. તેમજ પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની અંદર ગેરરીતિ આચરવાના, અનિયમિતતા ઊભી કરવાના, પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી તેમજ ચાર કરતા વધુ વ્યક્તિઓએ પ્રવેશ કરી શકાશે નહીં. તેમજ કોઇપણ પ્રકારનું સરઘસ કાઢી શકાશે નહીં અને ઝેરોક્સ મશીન દ્વારા કે અન્ય કોઈપણ રીતે પરીક્ષાલક્ષી સાહિત્ય લઈ- જઈ શકાશે નહીં.
ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ તળે સજાને પાત્ર થશે. આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મળેલી હોય તેવી વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ, પરીક્ષાનું ઓળખપત્ર ધરાવતા વિદ્યાર્થીઓ, પરીક્ષા કાર્યમાં રોકાયેલા તમામ વ્યક્તિઓ, સ્મશાન યાત્રા, સરકારી નોકરીમાં અને અન્ય નોકરીમાં હાજર હોય તેવી વ્યક્તિ, લગ્નના વરઘોડા, ફરજ ઉપર હાજર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિઓને લાગુ પડશે નહીં. પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રોની અંદર મોબાઈલ કે અન્ય કોઈ ડીવાઈસ સાથે લઈ જઈ શકશે નહીં.
મોરબી જિલ્લામાં નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની યાદી
એસ.વી.પી. કન્યા વિદ્યાલય, ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નવયુગ વિદ્યાલય, ધી વી.સી. ટેક હાઇસ્કુલ, શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ, ઉમા વિદ્યા સંકુલ, નીલકંઠ વિદ્યાલય.