રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલો ઈસમ મોરબી નજીકથી ચોરાઉ બાઈક સાથે પકડાયો
મોરબી: રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશનની અનડિટેકટ મોટર સાયકલ ચોરી ડિટેક કરી ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબીના જેતપર નજીકથી ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસના પોલીસને સંયુકત બાતમી મળી હતી કે, નંબર વગરના હિરો કંપનીના ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપી ગોપાલ અરજણભાઇ વાઘેલા મોરબી તાલુકાના જેતપર થી મોરબી તરફ પસાર થવાનો હતો. આ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે જેતપરથી મોરબી જતા રોડ ઉપર સત્યમ કાંટા સામે વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી ગોપાલ નંબર વગરના મોટરસાયકલ સાથે નીકળતા પોલીસે તેને અટકાવ્યો હતો અને મોટરસાયકલના કાગળો બાબતે પૂછપરછ કરી હતી.જે અંગે આરોપી ગોપાલે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
જેથી મોરબી તાલુકા પોલીસના પોલીસએ પોકેટકોપના માધ્યમથી મોટર સાયકલના ચેસીસ તથા એન્જીન નંબર સર્ચ કરતા આરોપી ગોપાલ અને મોટરસાયકલના માલિકના નામમાં તફાવત આવ્યો હતો. જેથી પોલીસે તેની સઘન પૂછપરછ કરી હતી. જ્યાં આરોપી ગોપાલે કબુલાત આપી હતી કે, પોતે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર કનેસર થી રાજા વડલા વચ્ચે રસ્તામાંથી બાઇકની ચોરી હતી. અને આ અંગેનો ગુનો પણ રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયેલો હતો. જે અનડિટેકટ હતો. આમ મોરબી તાલુકા પોલીસની ટીમે આ ગુનાને ઉકેલીને રૂ.૨૫,૦૦૦ ની કિંમતના ચોરાઉ મોટર સાયકલ સાથે આરોપી ગોપાલની અટકાયત કરી હતી અને તેને ભાડલા પોલીસ મથક ખાતે હસ્તગત કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.