વધુ એક દિવ્યાંગ વ્યક્તિને આજીવિકા રળવી સહેલી બનાવી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી
મોરબી સ્થિત માત્ર મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબી પંથકમાં અનેક પ્રકારના સામાજીક, શૈક્ષણિક, મહિલા ઉત્થાન, કન્યા કેળવણી, જરૂરતમંદ, ગં. સ્વરૂપ બહેનોને રાશનકીટ, દીકરીઓને કરિયાવર આપવા સહીતના અનેક સેવાકાર્યો કરવામાં આવી રહ્યાનું સર્વવિદિત છે.
મુસ્કાન વેલ્ફેર સોસાયટીના પરિચિત એવા ટીબી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો ઓરડીનેટર પિયુષભાઇ જોશીના ધ્યાનમાં મોરબીમાં એક દિવ્યાંગ જરૂરતમંદ વ્યક્તિ ફુગ્ગા, નાના રમકડાંઓ વેંચતા ધ્યાને આવતા તેને સંસ્થાના મહિલા સભ્યોએ મળી તેને મદદરૂપ થવા જણાવ્યુ અને સંસ્થા દ્વારા તે દિવ્યાંગને ટ્રાઈસિકલ લઈ આપતા દિવ્યાંગ વ્યક્તિ ગદગદિત, ભાવવિભોર બની ગયો હતો. અને હવે આજીવિકા રળવી સહેલી બન્યાનું જણાવી સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કરવા સાથે અંતરથી આશીર્વાદ આપ્યા હતા. આ ઉમદા કાર્ય માટે પિયુષભાઇ જોશી નિમિત્ત બન્યા હતા.
સંસ્થાના અનેક સેવા પ્રકલ્પોમાં આજે વધુ એક સેવા કાર્યનો ઉમેરો કરવા સાથે મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોએ પણ પરમાર્થનું કાર્ય કરવા સાથે સામાજીક જવાબદારી નિભાવી હોવાની ખુશી અનુભવ્યાનું સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.