રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પર કારચાલકે ટોલ ન ભરવા મુદ્દે માથાકૂટ કરી હતી. બાદમાં ટોલનાકાના કર્મચારીનો કાંઠલો પકડી લાફાવાળી કરી હતી. આ સમગ્ર ઘટના ટોલનાકાના CCTVમાં કેદ થઇ છે. કારચાલકે માર માર્યા બાદ કર્મચારીને ધમકી પણ આપી હતી. આ ઘટના 14 જાન્યુઆરીના રોજ બની હતી. આ અંગે ટોલનાકાના સંચાલકે ગોંડલ પોલીસને અરજી કરી છે. પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.
ટોલનાકાના કર્મચારી મોહન રાઠવાને માર મારનાર કારચાલક પ્રહલાદસિંહ ચુડાસમા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ટોલનાકાના કર્મચારીને માર માર્યાના CCTV સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ પહેલા પણ ભરૂડી ટોલનાકા પર વાહનચાલકો દ્વારા માથાકૂટ કર્યાની ઘટના બની ચૂકી છે. ત્યારે વધુ એક ઘટનાથી ગોંડલ પોલીસ સામે કામગીરીને લઇને લોકોમાં સવાલ ઉઠ્યા છે.