ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર વિશે હવે કોઈ પરિચય આપવાની જરૂર નથી રહી. શાર્દુલ ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટમાં વિજયના નાયકોમાંનો એક જબરદસ્ત ખેલાડી સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયાથી સ્વદેશ પરત ફરતા ક્રિકેટ ચાહકોએ શાર્દુલનું જોરદાર સ્વાગત કર્યું હતું. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા.પરંતુ ત્રણ વર્ષ પહેલા તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી પરત ફર્યો ત્યારે કોઈએ તેને ઓળખ્યો પણ ન હતો. આ ઘટના શાર્દુલ ઠાકુર સાથે 2018 માં બની હતી, જ્યારે શાર્દુલ દક્ષિણ આફ્રિકાથી મુંબઇ પહોંચ્યો હતો. શાર્દુલ અંધેરીથી પાલઘર જવા માટે લોકલ ટ્રેનમાં ગયો હતો. મુસાફરોથી ભરેલી ટ્રેનમાં ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બોલરને કોઈએ ઓળખ્યો ન હતો.શાર્દુલ ઠાકુરે કહ્યું હતું કે, “કેટલાક કોલેજના વિદ્યાર્થીઓએ મારો ફોટો ગૂગલ પર સર્ચ કર્યો હતો અને ખાતરી કર્યા પછી તેઓએ સેલ્ફી માંગી હતી. મેં તેને કહ્યું કે પાલઘર પહોંચવા દો પછી સેલ્ફી લેશું. ટ્રેનના એપાર્ટમેન્ટમાં મારી સાથે મુસાફરી કરનારા ઘણા લોકોને આશ્ચર્ય થયું કે ભારતીય ક્રિકેટર તેમની સાથે મુસાફરી કરી રહ્યો છે.”
29 વર્ષિય શાર્દુલ ઠાકુર મહારાષ્ટ્રના પાલઘરનો વતની છે. શાર્દુલનું મુંબઈની લોકલ ટ્રેન સાથે ખૂબ જ જૂનો સાથ છે. તે સવારે 5 વાગ્યે ઊઠીને ટ્રેન પકડીને બોરીવલી પહોચતો હતો જેથી તે શાળામાં ક્રિકેટ રમી શકે. તે રોજ ક્રિકેટ રમવા માટે પાલઘર જતો હોવાથી તેનું ‘પાલઘર એક્સપ્રેસ’ નામ પડ્યું. દરરોજ ત્રણ કલાકની આ ટ્રેનની યાત્રાથી શાર્દુલ માનસિક રીતે મજબૂત બની ગયો હતો. નોંધપાત્ર વાત એ છે કે શાર્દુલ ઠાકુરને બ્રિસ્બેન ટેસ્ટમાં રમવાનો મોકો મળ્યો હતો. તે ટેસ્ટમાં શાર્દુલે કુલ 7 વિકેટ લીધી હતી. ઉપરાંત તેણે પ્રથમ ઇનિંગમાં શાનદાર 67 રન બનાવ્યા હતા. એક સમયે ભારતની પ્રથમ દાવમાં 186 રન આપીને 6 વિકેટ પડી હતી. ત્યારબાદ શાર્દુલે ભારતની મેચમાં વાપસી કરવવા વોશિંગ્ટન સુંદર સાથે 7 મી વિકેટ માટે 123 રન જોડ્યા હતા.