ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનોનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરી જણાવ્યું છે કે, પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર સમાન છે. પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે. તેમણે કહ્યું કે, સત્તાના વિકેન્દ્રીકરણ એટલે કે ડીસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરને પરિણામે સ્થાનિક સ્તરે જ વિકાસ કામોના નિર્ણયો થવાથી રાજ્યમાં વિકાસની ગતિને નવી દિશા મળી છે. સત્તાનું–પાવરનું વિકેન્દ્રિકરણ એ આજના યુગની આવશ્યકતા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રના નાણા સીધા જ ગ્રામ પંચાયતોને આપીને ગ્રામપંચાયતોને પોતાના વિકાસ સ્વયં કરવાની સત્તા અને તક આપી છે. લોકો પોતાનો ઇચ્છિત વિકાસ જાતે કરી શકે તેવી નેમ સાથે રાજ્ય સરકારે પણ ગ્રામપંચાયતને વધુ અધિકારો સાથે સક્ષમ કરી છે. જિલ્લા પંચાયતો લોકશાહીનું સારી રીતે જતન કરે અને માર્ગદર્શક સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે પરિણામે વ્યવસ્થિત વિકાસ થાય એ હેતુથી પંચાયતોને સ્વંતત્રતા આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
CMએ કહ્યું કે, જિલ્લા પંચાયતો સહિત સરકારી કચેરીઓના ભવનો સુવિધાસભર હોય અને કોર્પોરેટ બિલ્ડિંગો કરતાં પણ ગુજરાત સરકારની કચેરીઓના ભવનો આધુનિક હોય એ દિશામાં ગુજરાત મોડેલ સ્ટેટ બની રહ્યું છે. રાજ્ય સરકાર આ માટે જે તે જિલ્લા પ્રશાસનને અનુદાન આપે છે. અત્યાર સુધીમાં અમરેલી, અરવલ્લી, બોટાદ, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, ગીરસોમનાથ અને મોરબી જિલ્લા પંચાયતોના નૂતન ભવન નિર્માણ થઈ ગયાં છે જ્યારે સુરત, સુરેન્દ્રનગર, પંચમહાલ, ડાંગ અને ખેડા જિલ્લાપંચાયત ભવનોના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.
‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’નો ઉમદા વિચાર મોરબી જિલ્લાએ આખા રાજ્યને આપ્યો છે, એમ કહીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યુ હતું કે, કોરોનાના કેસો ખૂબ જ વધારે હતા ત્યારે મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન અહીંના યુવાનોના ગામડાઓને સુરક્ષિત રાખવાના પ્રયત્નોની જાણકારી મળી હતી. મોરબી જિલ્લાની આ પ્રેરણાદાયી પહેલનો આખા રાજ્યમાં સારી રીતે અમલ થઇ શક્યો આ માટે તેમણે મોરબી જિલ્લાને વિશેષ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મોરબી જિલ્લો હંમેશા પડકારોને પોંખીને આગળ વધ્યો છે. રાજાશાહી યુગમાં પણ ‘પેરિસ’ કહેવાતું મોરબી આજે ઘડિયાળ, ટાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને નળિયા ઉત્પાદનને કારણે ઔદ્યોગિક રીતે અગ્રેસર છે. મોરબી આજ રીતે વિકાસશીલ અને આધુનિક બની રહે એવી શુભકામનાઓ વિજય રૂપાણીએ આપી હતી. તેમણે રૂ. 27.46 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લાપંચાયતના ભવન માટે જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા. 2,227 ગ્રામપંચાયતોના નવા ભવનો બંધાયા છે, રાજ્ય સરકાર જિલ્લાપંચાયતોના ભવનના નિર્માણ માટે રૂ. 29 કરોડ અને તાલુકાપંચાયતના ભવન નિર્માણ માટે રૂ. 2.5 કરોડ જેટલી માતબર રકમનું અનુદાન આપે છે. એટલું જ નહી ગ્રામપંચાયતોને નવા મકાનના બાંધકામ માટે વસતીના ધોરણે અનુદાન આપવામાં આવી રહ્યું છે. અત્યારે ગુજરાતમાં 92 તાલુકા પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થઈ ગયું છે અને 2227 ગ્રામપંચાયતોના નવા ભવનો બંધાયા છે જ્યારે 1007 ગ્રામ પંચાયતોના નવા ભવનોના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે.