કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્ર્મણનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે અનેક રાજ્યોએ તેની સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હોસ્પિટલોમાં બાળકો માટે વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે, બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આઈસીયુ, ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે ભારતમાં ઉત્પાદિત થતી કોરોનાની નેજલ રસી આશાનું કિરણ છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં, જ્યાં બાળકોને વધુ જોખમ છે, ત્યાં આ સ્વદેશી રસી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકને નેજલ સ્પ્રે વિકસાવ્યો છે. ભારતમાં તેનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.
નેજલ વેક્સીન શું છે ?
આ રસી નાક દ્વારા આપવામાં આવે છે અને તે સિંગલ ડોઝ રસી છે. આ રસી નાકની અંદરના કોરોના વાયરસને દૂર કરશે, જેનાથી ફેફસાના ચેપને અટકાવી શકાશે. ભારત બાયોટેકએ રસીનું નામ કોરો ફ્લૂ રાખ્યું છે.
નેજલ રસીના ફાયદા
– ઈન્જેક્શનથી છુટકારો મળી શકે છે. જાતે પણ લઇ શકાશે.
– નાકના અંદરના ભાગમાં રોગપ્રતિકારક શક્તિ તૈયાર થવાથી શ્વસન ચેપનું જોખમ ઘટશે.
– ઇન્જેક્શનથી છુટકારો થવાને કારણે આરોગ્ય કર્મચારીઓને તાલીમની જરૂર નથી.
– ઓછા જોખમને કારણે બાળકો માટે પણ રસીકરણ સુવિધા શક્ય
– સરળ ઉત્પાદનને લીધે વિશ્વમાં માંગ મુજબ ઉત્પાદન અને પુરવઠો શક્ય બને છે.
– તેને અબજો રૂપિયાની સોયની જરૂર નહીં પડે.
ઉલ્લેખનીય છે કે સૌમ્યા સ્વામીનાથને ભારપૂર્વક જણાવ્યું હતું કે પુખ્ત વયના લોકોને મહત્તમ સંખ્યામાં રસી આપવી જોઈએ. પહેલા પુખ્ત વયના લોકોમાં વાયરસના ચેપને ઘટાડવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો જ બાળકોને બચાવવાનું સરળ બનશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં ૧૯ કરોડ કરતાં વધુ માત્રામાં રસી આપવામાં આવી છે. રાજ્યોમાં લોકોને યુદ્ધના ધોરણે રસી આપવામાં આવી રહી છે.