ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તે 80 વર્ષના હતા. નરેન્દ્ર ચંચલ છેલ્લા ત્રણ મહિનાથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં ગીતો પણ ગાયાં છે. તેમણે માત્ર શાસ્ત્રીય સંગીતમાં પોતાનું નામ જ નથી મેળવ્યું, પરંતુ લોકસંગીતમાં પણ લોકોના દિલ જીતી લીધા છે. તેમણે રાજ કપૂરની ફિલ્મ બોબીમાં ‘બેશક મંદિર મસ્જિદ તોડો’ ગીત ગાયું હતું. આ ગીત હજી પણ લોકોની જીભે ગવાય છે. નરેન્દ્રને ફિલ્મ ‘આશા’ માં ગાયેલુ માતાનું ગીત ‘ચલો બુલાવા આયા હૈ’ દ્વારા ઓળખ મળી, જેના કારણે તેઓ રાતોરાત પ્રખ્યાત થઈ ગયા હતા. આ ગીતના ચાહકો અત્યારે પણ જોવા મળે છે. તેમના અવસાનના દુખદ સમાચાર સાંભળી ઘણા ચાહોકમાં દૂ:ખની લાગણી સર્જાઈ હતી. તેમના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નરેન્દ્ર ચંચલે તેમનું બાળપણ માતાજીના ભજન ગાઈને ગાળ્યું હતું. તેમના ભજન આજે પણ ઘરે ઘરે પ્રખ્યાત હતા.