મોરબીના નાની વાવડી કુમાર શાળાના બાળકો દ્વારા પક્ષીઓને બચાવવાની અનોખી પહેલ
પતંગના દોરાની ગૂંચ શોધી લાવો અને ઇનામ મેળવોની અનોખી સ્પર્ધા યોજાઈ
મોરબી તાલુકાના નાનીવાવડી ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ દોરાની ગૂંચમાં ફસાઈ જતા નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે દોરાની ગૂંચ એકત્રિત કરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીનાં બાળકો જોડાયા હતા. શાળાના બાળકો દ્વારા 55 કિલોગ્રામથી વધુ દોરાની ગૂંચ એકત્રીત કરવામાં આવી હતી. ધોરણ મુજબ સૌથી વધુ ગૂંચ લાવનાર બાળકો પડસુંબિયા નક્ષ, બરાસરા નક્ષ, ઝાલા કર્મરાજસિંહ, પિત્રોડા મયુર, સંઘાણી જેનીલ, થરેસા આરદિક, તડવી રાજેશ, ઓગાણજા જીત, નટડાક દયાલને શાળાના ઇનોવેટીવ શિક્ષક કાંજીયા અશોકકુમાર મહાદેવભાઇ દ્વારા શૈક્ષણિક કીટ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પક્ષી બચાવવા માટે કાંજીયા અશોકકુમાર દ્વારા આવી અવનવી પ્રવૃતિઓ છેલ્લા 9 વર્ષથી ચલાવવામાં આવે છે. આમ શિક્ષણની સાથે-સાથે આવી મૂલ્યલક્ષી પ્રવૃતિઓ દ્વારા બાળકોમાં પશુ-પક્ષીઓ પ્રત્યે સહાનુભૂતિ જાગે છે અને પરોપકારની ભાવના ઉત્પન્ન થાય છે.