મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી ટીબી ગ્રસ્તોની વ્હારે, 12 માસ પોષણ રાશન કીટ આપશે
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન 2025 ચાલી રહ્યુ છે. જે અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકો અને આમ દેશવાશીઓમાં પણ ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારતની ભાવના જોવા મળી રહી છે. અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ સાથે તેમને મદદરૂપ થઇ રહ્યા છે.
ત્યારે અનેક સેવાકાર્યો કરવા માટે જાણીતી મોરબી સ્થિત મુસ્કાન વેલફેર સોસાયટીના મહિલા સદસ્યો પણ આજ તા 7 ના રોજ મોરબીની ટીબી હોસ્પિટલ પહોંચ્યા હતા અને 5 ટીબીના દર્દીઓને પોષણ રાશન કીટ આપી, તેઓને 12 માસ માટે દત્તક લીધા હતા. આ દર્દીઓને એક વર્ષ સુધી સંસ્થા દ્વારા પોષણ રાશન કીટ આપવાની જાહેરાત પણ કરી હતી.
ઉમદા માનવીય અભિગમ સાથે ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવી તેઓ ટીબી મુક્ત બને તે દિશામાં અન્ય સંસ્થાઓએ, લોકોએ પણ આગળ આવી પ્રધાનમંત્રીના આ અભિયાનને સાર્થક કરવા સહયોગી બનવા તેમજ ટીબી મુક્ત ભારત બનાવવા સંદેશો પાઠવવા સાથે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે.