વ્યાજખોરોના ત્રાસની સામે વધુ એક પાટીદાર સમાજના વ્યક્તિએ જીંદગી હારી: બે સામે ગુન્હો દાખલ
મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરીનુ દુષણ ડામવા અને પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરોથી બચાવવા શ્રી પાટીદાર યુવા સંઘ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને પોલીસ વ્યાજ ખોરો પર લગામ લગાવવા કામગીરી કરી રહી છે ત્યારે તેની વચ્ચે વધું એક વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પાટીદાર સમાજના એક વ્યક્તિને વ્યાજચક્રમા ફસાવી બે શખ્સોને વ્યાજ સહિત ચુકતે કરી આપવા છતા વ્યાજખોરોએ મોતનો ભય બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી વધુ રૂપિયા પડાવવા પઠાણી ઉઘરાણી કરતા ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીએ ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા અને વેપાર કરતા ભાવનાબેન ગોપાલભાઈ ચિકાણી (ઉ.વ.૫૦ ) એ આરોપી ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા (ખીરસરા) તા. માળીયા (મીં) તથા રાહુલભાઇ બચુભાઈ સવસેટા રહે. લાભદીપ સોસાયટી શેરી નં -૦૩ રાજકોટવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતી ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીને આરોપી ભગવાનજીભાઈએ બળજબરી કરી જમીનનુ રુ.૨૩,૨૩,૦૦૦/- નુ સાટા ખત કરાવી જે સાટા ખત પેટે રુ.૧૦ લાખ ચેકથી આપી જેનુ વ્યાજ રુ.૦૫ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવતા તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તથા આરોપી રાહુલભાઇએ ફરીયાદીના પતીને પ્રોમીસરી નોટ લખાવી રુ.૨૦ લાખ આપી તેનુ વ્યાજ ૧૦ % લેખે લેતા ફરીયાદીના પતિએ તેને રુ.૨૪ લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપવા છતા ફરીયાદીના પતિ પાસેથી ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી મોતનો ભય બતાવી તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તેમજ બન્ને આરોપીઓ ફરીયાદીના પતિ પાસે ઉચા પઠાણી વ્યાજની ઉઘરાણી કરી મરવા મજબુર કરતા જે લાગી આવતા ફરીયાદીના પતી ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીએ પોતાની જાતે ગળા ફાસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પત્નીએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.