મોરબીમાં યોજાયો શિક્ષક દિન; જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા
મહાનુભાવોના હસ્તે ૭ શ્રેષ્ટ શિક્ષકો અને ૧૭ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું બહુમાન કરી શિક્ષક દિનની ઉજવણી કરાઈ
મોરબીમાં ધી.વી.સી. હાઇસ્કૂલ ખાતે જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
કહેવાય છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, ત્યારે ભારતના શિક્ષકોને તેમના અથાક પ્રયત્નો અને સમર્પણભાવ માટે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ૫ સપ્ટેમ્બરે ઉજવવામાં આવતા રાષ્ટ્રીય તહેવારના આ દિવસે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ એક મહાન શિક્ષક, વિદ્વાન અને દાર્શનિક હતા. શિક્ષક તરીકે તેમની કર્મનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠા ને હ્રદયમાં અદકેરું સ્થાન આપી તેમની એ નિષ્ઠાને પોંખવા માટે આ દિવસની સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં ધી.વી.સી. હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો શિક્ષક દિનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ૧ અને તાલુકા કક્ષાએ ૬ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે પારિતોષિક અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૧૭ પ્રતિભાવશાળી વિદ્યાર્થિને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં સન્માનિત શિક્ષકો અને તેમના પરીજનો, જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યઓ, શિક્ષક, બાળકો અને તેમના વાલીઓ તથા મોરબીવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.