રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં લાંબા સમયબાદ ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં 24 કલાકમાં 5 દર્દીઓના મોત થયા છે. જોકે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 13 દર્દીના મોત થયા હતા જે પૈકી 1 દર્દીનું કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે.શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યાં આજે બપોર સુધીમાં 28 કેસ નોંધાયા છે.શહેરના બાપુનગર અને મવડી સ્મશાનગૃહ હંગામી સમય માટે કોવિડ બોડી માટે અનામત રાખવામાં આવ્યા હતા. જે પૈકી હવેથી ફક્ત બાપુનગર સ્મશાનગૃહ કોવિડ બોડી માટે અનામત રહેશે જ્યારે અન્ય તમામ સ્મશાનો ખાતે સામાન્ય બોડી લઈ જઈ શકાશે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 7965 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1226 સહિત કુલ 9191 નાગરિકોએ રસી લીધી હતી. હાલ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત ગઈકાલે સાંજે 5 વાગ્યાથી ખુલનારી સેશન સાઈટ પરથી આગામી તા. 31/05/2021 સુધીનું વેક્સિનનું રજીસ્ટ્રેશન કરી શકાશે.
કોરોના બાદ મ્યુકોરમાયકોસિસ મહામારીથી હોસ્પિટલોમાં બેડ ભરેલાં જોવા મળી રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે પણ મ્યુકોરમાઇકોસિસના 680થી વધુ દર્દી સારવાર હેઠળ છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ 200થી વધુ દર્દી સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સતત 5 ઓપરેશન થિયેટર પર મ્યુકોરમાઇકોસિસનાં સતત થઈ રહેલાં ઓપરેશનમાં હજુ પણ 350થી વધુ દર્દી વેઇટિંગમાં હોવાનું સામે આવ્યું છે, એ માટે નવાં 3 ઓપરેશન થિયેટર શરૂ કરી વેઇટિંગ ઓછું કરવા હોસ્પિટલ તંત્ર વિચારણા કરી રહ્યું છે. 680થી વધુ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 250 ઓપરેશન થયાં, 350 દર્દી 10 દિવસથી સર્જરીની રાહમાં, 401ની આંખમાં ગંભીર અસર પડી છે. રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના જે રીતે કેસ વધી રહ્યા છે તે ગતિએ ઈંજેક્શનની સપ્લાય કરાતી નથી. જેથી ભારે અછત ઊભી થઈ છે. ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસની સર્જરી માટે ઘણા દર્દીઓ દાખલ છે પણ ઈંજેક્શનની અછત હોવાથી તબીબો સર્જરી કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. જે ઈન્જેક્શન મળે તે આપીને પહેલા ચેપ આગળ વધતો અટકે તેવા પ્રયાસો છે. જે તબીબ પહેલા 5 ઓપરેશન કરતા તેઓ હવે બે કે ત્રણ જ સર્જરી કરે છે.
ગીર સોમનાથના તાલાળા પાસેના કુચિયા ગામની માત્ર 12 વર્ષની મયૂરીને નાકમાં ફંગલ ઈન્ફેક્શન થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરાઈ છે. જે હાલ સૌથી નાની વયની દર્દી છે.સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં માત્ર 12 વર્ષની મયૂરી હરેશભાઈ બામણિયા નામની બાળકી દાખલ છે. હજુ બુધવારે રાત્રે જ તેનું ઓપરેશન કરાયું છે અને હવે હાલત સ્વસ્થ છે. રાજ્યમાં અત્યારસુધીના નોંધાયેલા દર્દીઓમાં આ સૌથી નાની વયની દર્દી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મયૂરી કે તેના પરિવારમાં કોઇને હજુ સુધી કોરોના થયો નથી.બીજી બાજુ કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન અનેક ધંધા રોજગારને મોટો ફટકો જોવા મળ્યો છે. જેમાં નાના મોટા તમામ વ્યવસાય ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી હોટેલ & રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને પણ મોટો ફટકો થવા પામ્યો છે છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી લોકડાઉન, અનલોક અને આંશિક લોકડાઉન કારણે આ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.
