મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં લોકતાંત્રિક રીતે બાળ સંસદની ચુટની યોજાઈ
મોરબી: શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ દરમ્યાન ટેન બેગલેસ ડે અંતર્ગત વિવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓ તેમજ વૉકેશનલ ટ્રેનિંગની પ્રવૃત્તિઓ કરવાની હોય છે,એ અંતર્ગત પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાલ સંસદની ચૂંટણીનું લોકતાંત્રિક રીતે આયોજન કરવામાં આવ્યું જેમાં તા. 09-08-2024 ના રોજ ચુંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12-08-24 હતી જેમાં હેન્સી પરમાર,વંદના પરમાર, ધર્મિષ્ઠા પરમાર,દીપ્તિ કંઝારીયા, રિદ્ધિ કંઝારીયા, રાધા હઠીલા વગેરે છ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી.એ અન્વયે તા.18-08-2024 રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન પ્રિસાઇડીંગ ઓફિસર,પોલિંગ ઓફિસર તેમજ હથિયારધારી કમાન્ડો તરીકે વિદ્યાર્થીનીઓએ ફરજ બજાવી હતી.
ધો.6 થી 8 કુલ 161 વિદ્યાર્થીનીઓ મતદારો હતા જે પૈકી 156 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો વિદ્યાર્થીનીઓનું શાળાનું આઈકાર્ડ મતદાન માટે માન્ય ગણવામાં આવ્યું હતું,એસએમસીના અધ્યક્ષ કાળુભાઈ પરમાર બંને શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા અને દિનેશભાઈ વડસોલા સહિત બંને શાળાના શિક્ષકોએ મતદાન કર્યું હતું આમ કુલ 95.60 ટકા મતદાન થયું જે પૈકી હેન્સી પરમારને 57 મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા અને વંદના પરમારને 49 મત મળતા એ બીજા ક્રમે રહ્યા આમ બંને વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. વિજેતા ઉમેદવાર તેમજ ચૂંટણીમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોને ફુલહાર પહેરાવી સન્માનિત કરાયા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન સામાજિક વિજ્ઞાનના શિક્ષક હિતેશભાઈ બરાસરાએ કર્યું હતું બાલ સંસદની ચૂંટણીને સફળ બનાવવા જયેશભાઈ અગ્રાવત દયાલજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા, નિલમબેન ગોહિલ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.