મોરબીની ભક્તિનગર શાળામાંથી બદલી પામેલ શિક્ષકોને ગામ સમસ્ત વિદાય અપાઈ
ભક્તિનગર ગામમાં સોળ વર્ષ રહી શિક્ષક તરીકે ફરજ બજાવનાર અશ્વિન કલોલા અને પ્રાણજીવન વિડજાનું અદકેરું સન્માન
મોરબી: સરકારી તમામ નોકરીમાં શિક્ષક તરીકેનો વ્યવસાય સર્વોત્તમ છે, જેમાં જીવંત વ્યક્તિ સાથે કામ કરવાનું હોય છે,શિક્ષક તરીકે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનું કાર્ય કરવાનું હોય છે એમાંય વળી જે તે ગામમાં વસવાટ કરી જે શાળામાં ફરજ બજાવી હોય એ શાળા સાથે લાગણીના સંબંધો બંધાઈ ગયા હોય છે.એવી જ રીતે અશ્વિનભાઈ ક્લોલા સતત સત્તર વર્ષ સુધી ભક્તિનગર ગામમાં જ રહી શાળામાં ફરજ બજાવી માધાપરવાડી શાળામાં અને પ્રાણજીવનભાઈ વિડજા બદલીને આંબાવાડી શાળામાં થતા સમસ્ત ગામેં વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નવા સાદુળકા પે સેન્ટરના તમામ શિક્ષકો વતી બંને શિક્ષકોનું, સમસ્ત ગામ વતી સરપંચ અને ઉપ સરપંચે સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીભાઈ સરડવાએ બંને શિક્ષકોની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી, શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ શિક્ષક તરીકેના વ્યવસાયની ગતી – ગરિમાને વર્ણવતા બંને શિક્ષકોની ગામ અને શાળા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતાને વખાણી હતી. બંને શિક્ષકોએ સત્તર વર્ષના ગામના સંસ્મરણો રજૂ કરતા પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને ગ્રામજનો અને શાળા પરિવારનો આભાર પ્રકટ કર્યો હતો. અને અશ્વિનભાઈ ક્લોલા તરફથી શાળાને નવું કમ્પ્યુટર મોનીટર તેમજ ગામના યુવા દાતાઓ તરફથી લેપટોપ સસ્નેહ ભેટ અર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નવા સાદુળકા પે સેન્ટરના પૂર્વ આચાર્ય કેશુભાઈ ઓડિયા તથા વર્તમાન આચાર્ય દિપકભાઈ પાંચોટીયા, ધિરજલાલ જાકાસણીયા ઉપાધ્યક્ષ જિલ્લા શૈક્ષિક મહાસંઘ, બાબુલાલ દેલવાડિયા સીઆરસી કો.ઓ. આંબાવાડી તેમજ ભક્તિનગર શાળામાં ફરજ બજાવી નિવૃત થયેલા શિક્ષકો તેમજ સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારૂ સંચાલન ગજાનનભાઈ આદ્રોજા અને બાબુલાલ દેલવાડિયાએ કર્યું હતું.