મોરબીના શનાળા ગામે યુવકને બે શખ્સોએ મારમારી આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબી: મોરબી શહેર તેમજ જિલ્લામાં મારામારીના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે મોરબીના શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાસે યુવકને આરોપીઓએ પચ્ચાસ હજાર રૂપિયા આપવાનું કહી બોલાચાલી કરી બંને આરોપીઓએ યુવકને ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાછળ રહેતા અને પાન માવાની દુકાન ચલાવતા કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૮) એ આરોપી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા તથા દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજા રહે. બંને શનાળા ગામ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૧૬-૦૬-૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે દશેક વાગ્યાના અરસામાં મોરબીના શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાસે આરોપી ઘનશ્યામસિંહે ફરીયાદીને ફોન કરી બોલાવી રૂપિયા પચ્ચાસ હજાર આપવાનું કહી બોલાચાલી કરી હાથમાં રહેલ ધોકા વડે ફરીયાદીને માર મારતાં હોય ત્યારે આરોપી દિગ્વીજયસિંહ આવી આરોપી ઘનશ્યામસિંહનુ ઉપરાણું લઈ તેને પણ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. અને જો પચ્ચાસ હજાર રૂપિયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.