મોરબીના મધુપુર ગામે પ્રા. શાળામાં ધો.1 થી 8નો અભ્યાસ ફરી શરૂ કરાવવા રાજપૂત કરણી સેનાની માંગ
મોરબી: મોરબીના મધુપુર ગામે પ્રાથમિક શાળામાં બે વર્ષથી ધોરણ- ૧ થી ૮ નો અભ્યાસ બંધ કરી દેવાતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, મામલતદાર, ટીપીઓ સહિતનાને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી રાબેતા મુજબ ફરી અભ્યાસ ચાલુ કરાવવા માંગ કરી છે.
રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, મામલતદાર, ટીપીઓ સહિતનાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબીના મધુપુર ગામમાં પ્રાથમિક શાળામાં અગાઉ ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ ચાલુ હતો અને જેથી મધુપુર ગામના બાળકો ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ કરી શકતા હતા. પરંતુ બે વર્ષથી મધુપુર ગામની સરકારી પ્રાથમીક શાળામાં ધો. ૧ થી ૮ સુધીનો અભ્યાસ બંધ કરીને માત્ર ધો. ૧ થી ૫ સુધીનો જ અભ્યાસ ચાલુ રાખેલ છે. જેને પરિણામે મુધુપુર ગામના અંદાજીત ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કે જેઓ ધો. ૬ થી ૮ માં અભ્યાસ કરે છે તેઓને અભ્યાસમાં ઘણી તકલીફ પડે છે અને અભ્યાસ માટે તેઓને બાજુના ગામમાં જવું પડે છે તેમજ ૬ થી ૮ ના બાળકોને મુસાફરી દરમ્યાન ઘણી તકલીફો પડે છે અને તેના અભ્યાસ પર પણ તેની માઠી અસર પડે છે. તેથી દિવાળી પછી શરૂ થતા નવા સત્રમાં મધુપુર ગામની શાળામાં પહેલાની જેમ રાબેતા મુજબ ધોરણ 1 થી 8નો અભ્યાસ ચાલુ કરાવવા રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા રજુઆત કરી માંગ કરી છે.