મોરબીના ખાનપર ગામે દારૂના નશામાં યુવાનનો પેટ્રોલ છાંટી સળગી જઈ આપઘાતનો પ્રયાસ
મોરબી જિલ્લાના ખાનપર ગામે રહેતા બાવાજી યુવાને દારૂ ઢીંચી પત્ની સાથે ઝગડો કર્યા બાદ ઘર નજીક ચોકમાં જઈ પેટ્રોલ છાંટી સળગી જઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સાારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તેમની હાલત ગંભીર હોવાની તબીબો દ્વારા જાણવા મળી રહ્યું છે.
મળતી વિગતો મુજબ મોરબીના ખાનપર ગામે રહેતા રણજીતગીરી મનસુખગીરી ગોસ્વામી નામના ૩૮ વર્ષના બાવાજી યુવાને ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યે ગામના ચોરા પાસે જાહેરમાં પેટ્રોલ છાંટી સળગી જઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને ગ્રામજનોએ બચાવી તુરંત રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. રણજીતગીરીને સંતાનમાં ત્રણ દિકરી છે તેમજ પોતે બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવારમાંથી જાણવા મળ્યું હતું કે, ગઈકાલે રણજીત દારૂ પીને ઘરે આવ્યો હતો અને તેમની પત્ની પ્રિતી સાથે માથાકુટ કરી હતી. ત્યાર બાદ પત્નીએ દારૂ બંધ કરી દેવાનું કહેતા પોતે ગામના ચોરે ગયો હતો અને પગલું ભરી લીધું હતું. પોતે કારખાનામાં મજુરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તબીબોએ જણાવ્યું હતું કે, હાલ યુવાનની હાલત ગંભીર છે.