મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના રહેણાંક મકાનમાંથી દાગીના સહિત 25 લાખના મુદ્દામાલની ચોરી
મોરબી : મોરબીના તાલુકાના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને રહેણાંક મકાનમાંથી રોકડ રૂ. ૬ લાખ તથા ૨૮ તોલા સોનાના દાગીના મળી કુલ કિં રૂ.૨૫ લાખના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. આ ઘટના પ્રકાશમાં આવતા મોરબી તાલુકા પોલીસ અને એલસીબી સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. તેમજ પોલીસ દ્વારા લાખો રૂપિયાના મુદામાલની ચોરીના ગુનામાં ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટે અને ચોરી કરીને નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મોરબી શહેર તેમજ જિલ્લામાં દિવસ રાત ચોરી, લુંટફાટ વગેરે જેવા કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે હવે મોરબી જીલ્લા પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે કેમકે અવાર નવાર રાતના સમયે ચોરીની ઘટનાના બનાવ વધી રહ્ય છે ત્યારે મોરબી તાલુકાના જેપુર ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્રણ ઘરને નીશાને બનાવ્યા હતા તેમા બે ઘરમાં કઈ મળ્યું ન હતું પરંતુ મોરબી તાલુકા જેપુર ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઇ મહાદેવભાઈ કાવઠીયાના રહેણાંક મકાનમાંથી રોકડ રકમ રૂ.૬ લાખ તથા બે સોનાના ચેન, ચાર સોનાની બંગડી, સાડા ત્રણ તોલાનું સોનાનું કડુ, ત્રણ તોલાની વીટી, સોનાના ચાર તોલાથી વધુ ત્રણ ચેન આમ કુલ મળીને સોનાના અંદાજે ૨૮ તોલાના દાગીના તસ્કરો લઈ ગયા હતા. જે સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિં રૂ. ૨૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા.
જ્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવતા હાલ પોલીસ તંત્રને દોડતું થઈ ગયું છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ, એલસીબીની ટીમ તેમજ ડોગ સ્કવોડની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ ડોગ સ્કવોડની ટીમને સાથે રાખીને તસ્કરોનું પગેરું મેળવવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે જ્યારે બીજી તરફ ભોગ બનનાર પરિવારની ફરિયાદ લેવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે. તેમજ આરોપીઓ ને પકડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.