મોરબીના ઘુંટુ ગામના તલાટી કમ મંત્રીની કામગીરી પર ગ્રામ પંચાયતના સદસ્યએ ફરી સવાલો ઉઠાવ્યા
મોરબી: મોરબીના ઘુંટુ ગામે તલાટી કમ મંત્રી પોતાની ફરજ પર બેદરકારી દાખવી ગેરહાજર રહેતા હોવાની ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રાવ કરેલ તેમજ આ બાબતે ચક્રવાત ન્યૂઝમા અહેવાલ પ્રસિદ્ધ થયેલ હોય ત્યારે ફરી એક વખત તલાટી કમ મંત્રી ગેરહાજર રહેતા હોવાની ઘુંટુ ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા મોરબી જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી રાવ કરવામાં આવી છે. અને જો રજુઆત ધ્યાને લેવામાં નહી આવે તો ગામલોકો સાથે રાખી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
મોરબી તાલુકાના ઘુંટુ ગ્રામ પંચાયતમા તલાટી કમ મંત્રી ફરજ પર બેદરકારી દાખવતા હોય અને ગ્રામ પંચાયતમાં ગેરહાજર રહેતા હોય જેથી અરજદારોને હાલાકી ભોગવવી પડતી હોવાના અગાઉ ચક્રવાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્ય હતા પરંતુ આજદિન સુધી કોઈ પણ પ્રકારના આ તલાટી કમ મંત્રી પર પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે ફરી એક વખત મોરબીના ઘુંટુ ગ્રામ પંચાયતના સદસ્ય મિલન ડી. સોરીયા દ્વારા મોરબી જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું.
મોરબી તાલુકાના ઘુંટુ ગામના તલાટી મંત્રી ફરજમાં બેદરકારી દાખવી રહ્યા છે. સવારના ૧૦.૦૦ થી ૧૨.૦૦ સુધી જ પંચાયત કચેરીમાં હાજર રહે છે. તેમજ જે દિવસે ફરજમાં ગેરહાજર હોય તે દિવસે પંચાયતને જાણ કરતા નથી. જેના કારણે અરજદારઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ પંચાયતના સદસ્ય સાથે ગેરવર્તણુંક કરે છે. આ અંગે અમોએ તાલુકા વિકાસ અધિકારીને પણ રજુઆત કરેલ. જેથી તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત પણ લીધેલ. તે સમયે પણ તલાટી મંત્રી ગેરહાજર હતા. તેમ છતાં પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ નકકર પગલા લેવામાં આવેલ નથી. જેથી તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રીને છાવરતા હોય, તેમના અંગત હોય તેવું સ્પષ્ટ જણાય છે.
આ સમસ્યા માત્ર ઘુટું ગ્રામ પંચાયતની નહી પણ મોરબી તાલુકાના દરેક ગામોની છે. અમુક તલાટી કમ મંત્રીઓ મોરબી શહેરમાં નોકરી કરવાના બદલે પોતાની પ્રાઈવેટ ઓફીસો ચલાવી રહયા છે. જો આરજુઆતને તાત્કાલીક અસરથી ધ્યાને લેવામાં નહી આવે તો ગામલોકો સાથે પંચાયતનો ઘેરાવ કરી આંદોલન કરવાની ગ્રામ પંચાયતના સદસ્યએ ચિમકી ઉચ્ચારી હતી.