મોરબીના ઘુંટુ ગામે ચાઇના કટરની બ્લેડ વડે પત્ની પર પતિનો જીવલેણ હુમલો
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરીઓમ પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધની દિકરી રીસામણે હોય અને તેના પતિ સાથે છૂટાછેડા લેવા માટે કોર્ટ કેસ કરેલ હોય જે બાબતનો ખાર રાખી પત્ની પર પતિએ ચાઈના કટરની બ્લેડ વડે હુમલો કરતા વૃદ્ધની દિકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં મોરબી હળવદ રોડ પર આવેલ હરીઓમ પાર્ક શેરી નં -જી-૪મા રહેતા હસમુખભાઇ નાનજીભાઈ ઉભડીયા (ઉ.વ.૫૮) એ આરોપી તેમના જમાઈ જીગ્નેશભાઈ સવજીભાઈ અઘારા રહે. ઘુંટુ ગામની સીમમાં મોરબી હળવદ રોડ પર આવેલ હરીઓમ પાર્ક સોસાયટી સી-૬૫ તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દિકરી ગાયત્રીબેનને તેના પતિ જીગ્નેશભાઇ સાથે અણબનાવ થતા છેલ્લા આશરે દોઢેક વર્ષથી ફરીયાદીના ઘરે રીસામણે હોય અને ફરીયાદીની દિકરી ગાયત્રીબેનને આ જીગ્નેશભાઇ સાથે છુટા છેડા કરવા હોય જેથી મોરબી કોર્ટમાં જીગ્નેશભાઇ વિરૂધ્ધ કેસ કરેલ હોય જે બાબતે જીગ્નેશભાઇને સારૂ નહી લાગતા જીગ્નેશભાઇ ફરીયાદીના ઘરે આવી આ બાબતે ઝઘડો કરી ફરીયાદીની દિકરી ગાયત્રીબેનને પાછળથી પકડી ગાયત્રીબેનને મારી નાખવાના ઇરાદાથી તેની પાસે રહેલ ચાઇના કટરની બ્લેડથી ગાયત્રીબેનના ગળાના ભાગે જીવલેણ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.