મોરબીના બેલા (રં) ગામે સરકારી જમીનમાં થતી ખનીજ ચોરી બંધ કરવા કલેક્ટરને રજુઆત
મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે સરકારી જમીનમાં થતી ખનીજ ચોરી બંધ કરી ખનીજ માફીયાઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા બેલા (રંગપર) ગામના માજી ઉપસરપંચ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામના માજી ઉપસરપંચ પ્રવિણચંદ એસ. આચાર્ય એ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના બેલા (રંગપર) ગામે સરકારી જમીનમાં ખાખરા – બેલા રીટ જી.ઈ.બી.ની બાજુમાં હાલ મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે, આ ખનીજ ચોરો દ્વારા રાત્રીના ૧૧ થી વહેલી સવારે ૦૪ વાગ્યા સુધી બે હીટાચી, ૨૦ ટ્રક દ્વારા ખનીજ ચોરી કરવામા આવી રહી છે. હાલ જે જગ્યાએ ખનીજ ચોરી થાય છે તે જગ્યા અગાઉ ખનીજ ખાતા દ્વારા તેના અધિકારી ધ્વારા તે જગ્યા ઉપર ખનીજ ચોરી અંગે રેડ કરેલ હતી અને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. પરંતુ ફરી પાછું તે જગ્યા ઉપર ખનીજ ચોરી ફરી ચાલુ થયેલ છે અને અગાઉ જે લોકો ખનીજ ચોરી કરતા હતા તે જલોકો આ ખનીજ ચોરી કરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે ગામમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ખનીજ ચોરો દ્વારા સરપંચ, તલાટી મંત્રીને પાંચ લાખ રૂપિયાનો વહીવટ કરવામાં આવેલ છે. અને ખાણ ખનીજ વિભાગ અને અન્ય લાગતા વળગતાઓ સાથે ૨૦-૩૦ લાખનો વહીવટ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ખનીજ ચોરી ફરી પાછી કેમ ચાલુ થય અને ગ્રામજનો દ્વારા ખનીજ વિભાગને ફોન કરવામાં આવે તો ફોન ઉપાડતા નથી. તેથી આ ખનીજ ચોરી બંધ કરી ખનીજ માફીયાઓ વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે.