મોરબીના બગથળા ગામે ફેક્ટરીમા લાગેલી આગમાં બે લોકોના મોત
આ આગની ઘટનામાં એકને ગંભીર ઇજ થતાં રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
મોરબીના બગથળા ગામે એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા રાજકોટ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બગથળા ગામે ઇવા સિન્થેટિક નામની ફેકટરીમાં ગત સાંજે બોઇલર ફાટવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જો કે આ આગમાં ફેકટરીમાં બોઇલરનું રીપેરીંગ કામ કરતા બે લોકોના મોત નિપજ્યા છે.
આ ગોઝારી આગની ઘટનામાં બે વ્યકિતના મૃત્યુ નિપજયા છે. જેમાં વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (ઉ.વ.૪૦) રહે પટેલ નગર સોસાયટી, આલાપ રોડ મોરબી વાળાને ગંભીર ઈજા પહોંચતા કરુણ મોત નીપજ્યું હતું તેમજ હિતેશ મનસુખભાઈ ડેડકિયા (ઉ.વ.૩૭) નું પણ મોત થયું હતું તો નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા (ઉ.વ.૫૦) રહે માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.