મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી પ્રૌઢે ઝેરી દવા પી જીંદગી ટુંકાવી: પંદર શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી: મોરબી શહેરમાં વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરાયા પરંતુ મોરબીને વ્યાજખોરોની ચુંગલમાંથી છુટકારો અપાવી શક્યા નહી. ત્યારે મોરબીમાં વ્યાજખોરોના ત્રાસના કારણે હરેશભાઈ કાંતિલાલ સાયતા (લોહાણા)નામના પ્રૌઢે ઝેરી દવા પી લેતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ હળવદના વતની અને હાલ મોરબી શનાળા રોડ રોડ જીઆઈડીસી સામે આરાધના સોસાયટી દિનેશભાઇ વાણીયાના મકાનમાં રહેતા જ્યોતિબેન હરેશભાઈ સાયતા (ઉ.વ.૫૮) એ આરોપી યશવંતસિંહ રાણા, રાજભા અંકુર સોસાયટી, ભીખાભાઇ ઉર્ફે અમરતલાલ લાજીભાઇ ભોજાણી, નરેન્દ્રભાઇ લાલજીભાઇ ભોજાણી, યોગેશભાઇ મિસ્ત્રી, સવજીભાઇ ફેફરભાઇ પટેલ, વનરાજસિંહ, નવીન હિરાભાઇ, મહાવીરસિંહ, ભાવેશભાઇ કારીયા, સમીરભાઇ પંડયા, લલીત મીરાણી, ગીરીશભાઇ છબીબભાઇ કોટેચા, જગાભાઇ દેવરાજભાઇ ઠક્કર, કલ્પેશ જગાભાઇ ઠકકર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીના પતિ હરેશભાઈ કાંતિલાલ સાયતા ને અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા આપી વ્યાજની ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરતા ફરીયાદીના પતિએ પોતાના ઘરે આરોપીઓના માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પી લેતા ફરીયાદીના પતિ હરેશભાઈ કાંતિલાલ સાયતાનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપી ભીખાભાઈ ઉર્ફે અમરતલાલ લાજીભાઇ ભોજાણી, નરેન્દ્રભાઇ લાલજીભાઇ ભોજાણી, ગીરીશભાઈ છબીબભાઈ કોટેચા તથા જગાભાઈ દેવરાજભાઈ ઠક્કરની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.