મોરબીમાં તસ્કરો અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી માંગ
મોરબી: મોરબી જીલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે તસ્કરો અને અસામાજિક તત્વો પડકાર ફેક્તા હોય તેવો ઘાટ જોવા મળી રહેલ હોય તેથી આ અંગે તાકીદે પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા ગૃહ મંત્રીને લેખીત રજુઆત કરી માંગ કરાઈ.
ઉલ્લેખનીય છે કે હાલમાં ચુંટણીની આચારસંહિતા લાગુ છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કોઈ પણ પરિસ્થિતિમાં ન કથળે તે માટે થઈને પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવાની હોય છે. પરંતુ મોરબી જીલ્લામાં પોલીસને જાણે ચેલેન્જ આપી રહયા હોય તેમ છેલ્લા ૨૪ ક્લાકમાં બનેલી ચાર ઘટનાઓ પછી પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે કે લોકરક્ષણ કઈ રીતે કરી શકશે?
જો કે વાત કરીએ તો બે દિવસ પહેલા મોરબીના સ્ટેશન રોડ ઉપર પસાર થતી એસ.ટી. બસમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ધોકા ફટકારવામાં આવતા હોય તે પ્રકારનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બનાવમાં કોઈ પગલા લેવાયા નથી. તે જ રીતે મોરબીમાં નવાડેલા રોડ ઉપર માત્ર ૨ (બે) મિનિટ પોતાનું એકટીવા મુકીને ગયેલા વેપારીના એકટીવાની ડેકીમાંથી રોકડા ૧,૬૦,૦૦૦/- ધોળા દિવસે ચોરી થયા. આટલું જ નહી પરંતુ મોરબી સિવિલ હોસ્પિટલના પટાંગણમાંથી ધોળા દિવસે ૧૧.૦૦ વાગ્યે બાઈકની ચોરી કરવામાં આવે છે અને સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ છે. તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક એક જ કોમ્પલેક્ષમાં એક સાથે ૬(છ) દુકાનના તાળા તુટવાની ઘટના બનેલ છે. તેમ છતાં ચાર ઘટનામાંથી કોઈ પણ ઘટનાના બનાવ સંદર્ભ હજુ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ ફરીયાદ લેવામાં આવી નથી.
ત્યારે ચોરી કરીને તસ્કરો તેમજ લુખ્ખાગીરી કરીને અસામાજિક તત્વો જેવા સખ્સો પોલીસને ખુલ્લો પડકાર ફેકતા હોય તેવી ઘટનાઓ મોરબીમાં બની રહી છે. તેમ છતાં પણ આવી ઘટનાઓમાં કોઈ ફરીયાદ લેવામાં આવી નથી અને સીધી કે આડકતરી રીતે જાણે કે મોરબીમાં રામરાજય હોય તે રીતે સબ સલામત સરકારી ચોપડે દેખાડવા માટેના પ્રયત્નો સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે પોલીસ અસ્તિત્વ સામે સવાલ ઉભા થઈ રહયા છે. જેથી ભોગ બનેલા લોકોની તાત્કાલીક મોરબી જીલ્લામાં ફરીયાદો લેવામાં આવે અને ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી શહેર અને જીલ્લાના લોકો વતી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા રાજ્યના ગૃહ મંત્રીને લેખીત રજુઆત કરી છે .