મોરબીમાં સેવા સેતુ નો ઉદ્દેશ સિદ્ધ થયો; અરજદારોની તમામ 2554 અરજીનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો
જેતપર ખાતે 29 ગામોના 640 લોકોએ સેવા સેતુ નો લાભ લીધો
સમગ્ર રાજ્યની સાથે મોરબીમાં પણ સેવા સેતુનો જિલ્લા વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. મોરબીમાં પાંચેય તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે મોરબીના જેતપર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અરજદારો દ્વારા કરવામાં આવેલી વિવિધ સેવા અને યોજનાઓ માટેની ૨૫૫૪ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા લોકોને જરૂરી તમામ સેવાઓ એક જ સ્થળે મળી રહે અને તેમની અરજીઓનો તાત્કાલિક નિકાલ થાય તેવા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે. હાલ સેવા સેતુનો ૧૦ મો તબક્કો યોજાઈ રહ્યો છે ત્યારે મોરબીમાં ગત તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાના જેતપર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના જિલ્લાકક્ષા તેમજ તાલુકાકક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગ દ્વારા ૧૫ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સેવા સેતુમાં ક્લસ્ટર હેઠળના ૨૯ ગામના ૬૪૦ લોકોએ લાભ લીધો હતો. વિવિધ વિભાગની જરૂરી સેવાઓ માટે ૨૫૫૪ જેટલી અરજીઓ કરવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા આ તમામ અરજીઓનો તાત્કાલિક ધોરણે સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હવે આગામી ૮ ઓક્ટોબરના રોજ મોરબી તાલુકામાં લાલપર ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ અન્વયે ક્લસ્ટર હેઠળના ૩૨ ગામોને સાંકળી વિવિધ સરકારી સેવાઓનો લાભ અપાશે.