મોરબીમાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ
મચ્છુ નદીના ભારે પ્રવાહ ના કારણે ધોવાયેલા મોરબી કચ્છ નેશનલ હાઈવે કરાઈ રહ્યો છે રીપેર
મોરબી જિલ્લામાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે માળીયાના હરીપર પાસે મોરબી કચ્છ નેશનલ હાઈવેને રીપેર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, વરસાદના પગલે મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે હાલ વરસાદ બંધ પડી ગયો છે ત્યારે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર વરસાદ બાદની કામગીરીમાં જોડાઈ ગયું છે. હાલ વહીવટી તંત્રના અનેક વિભાગો દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા નુકસાન થયેલા માર્ગોમાં સમારકામ કરી રોડ રસ્તાઓ પૂર્વવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે માળિયાના હરીપર નજીક મોરબી કચ્છ હાઇવે મચ્છુ નદીના ભારે પ્રવાહના કારણે ધોવાયો હતો, તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત રોડની સાઈડમાં ભરાઈ ગયેલા પાણીના નિકાલ માટે નાલાની સફાઈ કરવાનું તેમજ નાલા બદલવાની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી છે.
વરસાદ બાદ શક્ય તેટલું ઝડપી તમામ રસ્તાઓનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના બંધ થયેલા માર્ગો ફરી શરૂ કરાવી રોડ સમારકામ કરવાની કામગીરી પૂર ઝડપે કરવામાં આવી રહી છે.