મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે વધુ એક વેપારીને આપી મારી નાખવાની ધમકી
મોરબીમાં વ્યાજખોરીનુ દુષણ કોઈ કાળે નાથી શકાય તેમ નથી કેમકે વ્યાજખોરોનુ જાણે પોલીસ થી લઈને રાજકીય આગેવાનો સુધી સેટીંગ હોય તેવુ લાગી રહ્યુ છે. કેમ કે વ્યાજખોરોને પકડાવાનો ભય જ નથી ત્યારે મોરબી શહેરમાં રહેતા વધુ એક વેપારીએ વ્યાજ રૂપિયા લિધેલ હોય જે વ્યાજ સહિત ચુકવી આપેલ હોવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી વધુ રૂપિયાની માગણી કરી વેપારી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર સત્યમ પાન વાળી શેરીમાં વિશ્વકર્મા પાર્ક બ્લોક નં -૦૮મા રહેતા મિથુનભાઈ મોહનભાઈ કંધનાણી (ઉ.વ.૩૯) એ આરોપી ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈ ખખ્ખર રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ ઉંચા વ્યાજે રૂપિયા ૧૫,૦૦,૦૦૦ લાખ નાણા આપેલ હોય જે ફરીયાદીએ આરોપીને વ્યાજ પેટે રૂ.૧૮,૫૨,૮૦૦ ચૂકવી દિધેલ હોવા છતાં વધુ રૂપિયા ૧૦,૦૦,૦૦૦ લાખની વ્યાજની માંગણી કરેલ હોય અને બળજબરી પૂર્વક આરોપીએ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.