મોરબીમાં ખરાબ રોડ રસ્તાને કારણે કમર દર્દ અને મણકાની બીમારીના કેસોમાં ઉછાળો
મોરબી: મોરબી શહેરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓની હાલત દયનીય બની ગઈ છે જેના કારણે મોરબી શહેરમાં કમર દર્દ અને મણકાની બીમારીના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોના રોડ રસ્તાઓ ચોમાસામાં ધોવાઈ જતા હાલ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે, રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે, તે નક્કી કરવું શહેરીજનો માટે હાલ મુશ્કેલ બન્યું છે.
હાલ વરસાદે વિરામ લિધા બાદ શહેરમાં વાયરલ ફીવર મચ્છરજન્ય, બીમારીના ડોક્ટરોની સાથે સાથે ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીસ્ટને ત્યાં પણ મસ મોટી લાઈનો લાગેલી જોવા મળે છે. ત્યારે જે એવા દર્દીઓ છે જેઓ શહેરના ભંગાર ખાડા વાળા રોડ રસ્તામાં વાહન ચલાવવાના કારણે કમર દર્દ, સ્પેન્ડિલાઈસિસ જેવી સમસ્યાઓનો હાલ શિકાર બન્યા છે. તેમજ ખરાબ રોડ રસ્તાઓના કારણે શહેરીજનોમાં કમર દર્દ, કરોડરજ્જુ, અને હાડકાને લગતા દર્દોમાં જાણે એકાએક વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે સરકારી હોસ્પિટલોમાં આવા દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે. ઓર્થોપેડિક વિભાગમાં દરરોજ આવતા 100માથી 80 દર્દીઓ બેક પેઈનની સમસ્યાઓ ધરાવતા હોય છે આ બાબતે ઓર્થોપેડિક ડોક્ટરોનું કહેવું છે કે ખાડા ખબડા વાળા રોડ પર સતત વાહન લઈને અવર જવર થાય તો તેનાથી બેક પેઈન કરોડરજ્જુ માં સમસ્યાઓ સર્જાય શકે છે, અને આવાં દર્દીઓનાં પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. રોડના ખાડાના લીધે “ડિસ્ક જોઈન્ટ” પર દબાણ વધે છે જો આ નિયમિત રૂપે થવા લાગે તો આવા દર્દીઓ માટે વધુ ગંભીર સમસ્યાઓ સર્જાય છે, માટે જો તાત્કાલિક શહેરના રોડ રસ્તાઓ રીપેરીંગ કરવામાં આવેતો શહેરીજનોને કમર દર્દ જેવી સમસ્યાઓમા આંશીક રાહત મળી શકે તેમ છે અને ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલા રોડ રસ્તાની ફરીયાદોનું તત્કાલીન નિરાકરણ લાવવામાં આવે તેવી શહેરીજનોમા માંગ ઉઠી રહી છે.