મોરબીમાં કમોસમીક વરસાદથી કૃષી તેમજ સિરામિક ઉદ્યોગમાં ભારે નુકસાન
મોરબી જિલ્લામાં કરા સાથે વરસાદ ને પગલે ભારે નુકસાની
મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા. ૨૪ થી ૨૮ નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગત રોજ વહેલી સવારથી મોરબી જીલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને બપોર બાદ પણ વરસાદ વરસ્યો હતો આ બાબતે મોરબી જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં આકાશી આફતના લીધે ૪૭ જેટલા મકાનો, ૧૦ કારખાનામાં નુકસાન તો ૬૦ વધુ વૃક્ષો ધરાશયી થયા હતા અને હળવદ તાલુકામાં ચાર બકરાંના મોત નીપજ્યા હતા.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઇ કાલે વહેલી સવારે મોરબી શહેર સહિત જીલ્લાના પાંચ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તેમજ મોરબી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે મોટાભાગના ગામોમાં ભારે પવન સાથે કરા વરસ્યા હતા. જેને પરિણામે વરીયાળી, જીરૂ, ડુંગળી, સરગવાના પાકનો સોથ વળી ગયો છે. તથા ટંકારા પંથકમાં કમૌસમી વરસાદથી મગફળીના તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન થયું હતું આ ઉપરાંત પશુઓના ચારા માટે વાવેલ જુવાર- મકાઈનો પાકને પણ અસર થઈ છે.
તેમજ મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી સિરામિક ઉદ્યોગમાં પણ ભારે નુકસાન થયું હતું. જેમાં કેટલાક સિરમિકના કારખાનામાં પતારાના સેડ ઉડ્યા હતા તો કેટલા કારખાનામાં પતરા પર કરા પડતા પતરા તુટી પડ્યા હતા જેથી મશીનરી તેમજ માલ ને નુકશાન થયું હતું. એકંદરે આ કરા સાથે વરસેલા વરસાદને કારણે મોરબી જિલ્લામાં સિરામિક અને ખેતીને નુકશાની પહોંચી છે.