મોરબીમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના અરજી પત્રક આગામી તા.24 ફેબ્રુ. સુધી ભરી શકાશે
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર ક્ષેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, રોજગાર કરતા શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
જે અન્વયે મોરબી જિલ્લામાં દિવ્યાંગ પારિતોષિક મેળવવા અંગે ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ, અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ, નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસર અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં અરજી પત્રક ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જોડીને બે નકલમાં આગામી તારીખ ૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નંબર ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબી- આ સરનામા પર રૂબરૂ કે ટપાલના માધ્યમથી પહોંચાડવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ અલગ અરજી પત્રક ભરવાનું રહેશે. અધુરી વિગતો વાળી અને સુનિશ્ચિત સમય મર્યાદા બાદની અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે નહીં. અરજી પત્રક વેબસાઇટ www.talimrojagaar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા અત્રેની કચેરી ખાતેથી વિના મુલ્યે કચેરી સમય દરમિયાન મળી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.