મોરબી જિલ્લામાં 406 દિવ્યાંગોને વિનામૂલ્યે ST બસ પાસનો તો 256 દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ મળ્યો
દર વર્ષે તારીખ ૦૩ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ મનાવવામાં આવે છે. વર્ષ ૧૯૮૧ માં આ તારીખને આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસ જાહેર કરવાનો ઉદ્દેશ એ છે કે દિવ્યાંગો આત્મનિર્ભર બને અને તેઓ સ્વાવલંબન માટે પ્રયત્નો કરી શકે.
મોરબી જિલ્લામાં રાજ્ય સરકારની ૨૧ જેટલી વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. અત્યારે દિવ્યાંગો માટે એસ.ટી.બસમાં નિઃશુલ્ક મુસાફરીની યોજના, દિવ્યાંગ સહાય સાધન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના વગેરે યોજનાના અરજી પત્રક સ્વીકારવામાં આવે છે. તેમજ આ વિવિધ યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે.
મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૪૦૬ દિવ્યાંગોને વિનામૂલ્યે એસટી બસ પાસ, ૨૯૯ દિવ્યાંગ લાભાર્થીઓને ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન સ્કીમ, મનોદિવ્યાંગ કેટેગરીના ૧૧૭૩ નાગરિકોને વિવિધ સહાય, સંત સુરદાસ યોજનાના ૨૫૬ લાભાર્થીઓ, ૯૯ લાભાર્થીઓને વિવિધ રોજગારલક્ષી સાધન સહાય, ૦૯ લાભાર્થીઓને કેલીપર્સ વિતરણ આપવામાં આવ્યા છે. તેમજ ૧૪ જેટલા દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના લાભાર્થીઓ છે.
સમાજ ખુલ્લા મને દિવ્યાંગોને આવકારે અને તેમનો મુક્તપણે સ્વીકાર કરે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. મોરબી જિલ્લા સેવા સદન ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભોંયતળિયે, રૂમ નંબર ૫ થી ૯, શોભેશ્વર રોડ, સો-ઓરડી વિસ્તાર ખાતે વિવિધ દિવ્યાંગ કલ્યાણલક્ષી સહાય અંગે માહિતી ઉપલબ્ધ છે. અત્રેની કચેરીના ફોન નંબર ૦૨૮૨૨- ૨૪૨૫૩૩ પરથી માહિતી મેળવી શકાય છે.