મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ
વહિવટી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરતા કલેક્ટર
મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. મોરબી જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે, જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરએ જણાવ્યું હતું.
આ બેઠકમાં સાંસદ તથા ધારાસભ્યઓ સહિતના પદાધિકારીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ, માર્ગ અને મકાન સ્ટેટ તથા પંચાયત હસ્તકના રોડની અધુરી કે ધીમી કામગીરી, વાંકાનેરના પંચાસર રોડ પરના બ્રીજ અંગેની કામગીરી, પીવાના પાણીના પ્રશ્નો, ભંગારના ગેરકાયદેસર ઉભા કરેલા ડેલાને દુર કરવા અને ભંગારના વેપારીઓના રજીસ્ટ્રેશન કરવા અને બિન અધિકૃત ભંગારની હેરફેરને રોકવા, વ્યાયામ શાળા અને કેન્દ્રિય વિદ્યાલયની કામગીરીની પ્રગતિ, પુર સંરક્ષણ માટેની દિવાલ બનાવવા, કેનાલના સફાઈ કરવા, હળવદ જી.આઈ.ડી.સી. વિસ્તરણની કામગીરી, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતર્ગતની કામગીરી, ગેરન્ટી પીરીયડ હેઠળના રોડ રસ્તાની સ્થિતિ, વાંકાનેરમાં ઓજી વિસ્તારમાં ગંદકી દુર કરવા અને ગંગા સ્વરૂપા વિધવા સહાયની ચુકવણી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ તમામ પ્રશ્નો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવા કલેક્ટરએ સબંધિત વિભાગોને સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરએ તમામ અઘિકારી/કર્મચારીઓને લોકહિતને ધ્યાનમાં રાખી હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિના ૧ થી ૬ પત્રકોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય સર્વ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસીયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા તથા મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.