મોરબીમાં દિશા બેઠક યોજાઈ; સાંસદ રહ્યા ઉપસ્થિતિ
મનરેગા યોજના હેઠળ જિલ્લામાં જળ સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જના કામોને પ્રાધાન્ય આપવામાં આવે; સાંસદ વિનોદભાઈ ચાવડા
મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી – દિશાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા રજીસ્ટ્રાર, જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા, નગરપાલિકાઓ, પશુપાલન, આઈસીડીએસ, મહિલા અને બાળ વિભાગ, આરોગ્ય શાખા, વાસ્મો, શિક્ષણ અધિકારી, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, રમત ગમત અધિકારી, શ્રમ અને રોજગાર અધિકારી, પીજીવીસીએલ, નેશનલ હાઈવે ઓથોરિટી, સહિત વિવિધ વિભાગની યોજનાઓના અમલીકરણ અને પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ મનરેગા યોજના હેઠળ જિલ્લામાં જળ સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જના કામોને પ્રાધાન્ય આપવા, સામુહિક સૌચાલય માટે વધુ પંચાયતો અને ધાર્મિક સંસ્થાઓને સાંકળી સામુહિક સૌચાલયની સંખ્યા વધારવા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સામુહિક સોકપીટ બાબતે લોકોને જાગૃત કરવા સૂચના આપી હતી. તેમણે વિકાસ કાર્યોમાં આંગણવાડી અને શિક્ષણના કાર્યોને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. ટીબી નિર્મૂલન માટે અભિયાનના ભાગરૂપે જરૂરી મશીનરી વસાવવા માટે પણ યોગ્ય આયોજન ઘડવા, પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર પર મોનીટરીંગ કરી જરૂરિયાત મુજબના વ્યવસાયિક કોર્ષ બનાવી સુવિધા અને રોજગારીમાં વધારો કરવા માટે યોગ્ય આયોજન કરવા તાકીદ કરી હતી.
રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ મોરબી નવો જિલ્લો બન્યા બાદ પણ અનેક કચેરીઓ અન્ય જિલ્લાઓમાં છે જે તાકીદે મોરબી માં કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવા સુચના આપી હતી. બામણબોર થી સામખયારી સુધીના નેશનલ હાઇવે પર ગેરકાયદેસર રીતે ડિવાઈડર તોડી રસ્તામાં વાહનોને વળવા માટે બનાવેલા માર્ગો બંધ કરવા નેશનલ હાઇવે ઓથોરિટીને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ સહિત પદાધિકારીઓ તથા પ્રાંત અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.