મોરબીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ
આયુષ મંત્રાલય- ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક ગત તા.૨૧-૦૩-૨૦૨૫ ના રોજ ૧૧:૩૦ કલાકે કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.
આ બેઠકમાં મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીએ જિલ્લા પંચાયતની મોરબી આયુર્વેદ શાખા હેઠળ આવતા આયુર્વેદ, હોમિયોપેથી દવાખાનાઓ તથા મેડીકલ ઓફિસર દ્વારા કરવામા આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી. મોરબી જિલ્લામાં હાલ ૧૧ આયુર્વેદ દવાખાના અને ૬ હોમીયોપેથી દવાખાનાઓ કાર્યરત છે.
આ બેઠકમાં કલેકટરએ આયુષનો વ્યાપ-વિસ્તાર વધારવા વિસ્તૃત માહિતી તથા સૂચના આપી હતી. આ પ્રસંગે આયુર્વેદ વિભાગ દ્વારા તૈયાર કરેલ આયુષ કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું તથા નેશનલ આયુષ મિશન દ્રારા ચાલતી વિવિધ પ્રવ્રુતિ તથા ખર્ચ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી.ભટ્ટ, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવિણ વડાવિયા તથા જિલ્લાના અન્ય અધિકારીઓ તથા મેડીકલ ઓફીસરઓ હાજર રહ્યા હતા.