મોરબીમાં આગામી તા.27-28 ડિસેમ્બરના આયુષ મેળો યોજાશે
યોગ નિર્દેશન, પ્રકૃતિ પરીક્ષણ, આયુર્વેદિક રેસીપી, પંચકર્મ સારવાર, અમૃતપેય વિતરણ સહિત વિવિધ આકર્ષણો ઉપલબ્ધ બનશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ- રાજ્ય સરકાર, નિયામક, આયુષની કચેરી- ગાંધીનગર અને જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન અનુસાર આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તારીખ ૨૭ અને ૨૮ ડિસેમ્બરના રોજ ઉમા હોલ, રવાપર ચોકડી, બહુચર મંદિર સામે, મોરબી ખાતે સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૪:૦૦ કલાક દરમિયાન આયુષ મેળો યોજાશે.
આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, હોમીયોપથીક નિદાન સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓના માહિતીલક્ષી પોસ્ટર તથા જીવંત પ્રદર્શન, દિનચર્ચા, ઋતુચર્યા, વિરુદ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજણ આપતું પ્રદર્શન, હોમિયોપેથી સારવાર પદ્ધતિની માહિતી અને પ્રદર્શન, ૦ થી ૧૦ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ બાળકો માટે સુવર્ણ પ્રાશન, હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર કેમ્પ, સાંધાના દુઃખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, પંચકર્મ સારવાર, સ્વાસ્થ્યવર્ધક હર્બલ ડ્રિન્કનું વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા, સંશીમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ- આમ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયુષ મેળાનો મોરબીની તમામ જનતા ખાસ લાભ લે તેવો અનુરોધ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયો છે. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવિણ વડાવિયા, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.