મોરબી – વાંકાનેર હાઈવે પર સ્પાના ઓઠા હેઠળ ચાલતું કુટણખાનું ઝડપાયું: બેની ધરપકડ
મોરબી: મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર સ્પાના ઓઠા હેઠળ ચાલતા કુટણખાના પર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા છે. તદુપરાંત અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર વિશાલ ફર્નિચર પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ સ્પામાં બહારથી રૂપલલનાઓ બોલાવી બોડી મસાજના ઓઠા તળે કુટણખાનું ચલાવવામાં આવતું હતું. જ્યાં પોલીસની ટીમે દરોડો પાડી સ્પામાં નોકરી કરતા બે ઈસમો ભાવેશભાઈ હિમંતભાઈ કાતરીયા (ઉ.વ.૨૩) હાલ રહે. ક્રિસ્ટલ સ્પા મોરબી મૂળ રહે. જોલાપુર ગામ જી. અમરેલી તથા ભલાભાઈ રણછોડભાઈ ભીલ (ઉ.વ.૨૯) હાલ રહે. ક્રિસ્ટલ સ્પા મોરબી મૂળ રહે. હિન્ડોરના જી. અમરેલીવાળાની ધરપકડ કરી છે. તેમજ દરોડા દરમ્યાન રોકડ રૂ.૩૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૨ કિં રૂ. ૫૫,૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૮,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત અન્ય એક શખ્સ પ્રશાંતભાઈ કેશુભાઈ કેશુર રહે. મોરબીવાળાનુ નામ ખુલતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.