મોરબી તાલુકાના CET પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ યોજાયો
વર્ષ 2024 -25 માં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ આ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, વિજ્ઞાનના સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજે તે હેતુથી 272 “પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ” ને સાયન્સ સિટી અમદાવાદ નો નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ તારીખ 19/2/2025 , બુધવારના રોજ યોજવામાં આવેલ હતો.
સાયન્સ સિટી અમદાવાદ ખાતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ એકવાટિક ગેલેરી(એશિયાનું સૌથી મોટું માછલીઘર), રોબોટિક્સ ગેલેરી (જુદા જુદા ક્ષેત્રોમાં થતા રોબર્ટ ના ઉપયોગ), થ્રીડી પિક્ચર, સાયન્સ મ્યુઝિયમ, મિશન ટુ માર્સ (મંગળયાત્રા), નેચરપાર્ક વગેરેની મુલાકાત લીધી હતી.
આ નિઃશુલ્ક પ્રવાસ દરમ્યાન બાળકોને બે ટાઈમ નાસ્તો, બે ટાઈમ ભોજન, આઇસક્રીમ, આવવા જવાનું ભાડું,સાયન્સ સીટી એન્ટ્રી થી એક્ઝિટ સુધીની ટિકિટ નો સમાવેશ કરવામાં આવેલ હતો.
આ નિઃશુલ્ક પ્રવાસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી – મોરબી દ્વારા આયોજિત,તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી દિનેશભાઈ ગરચરના માર્ગદર્શન હેઠળ,મુકેશભાઈ મારવણીયા અને નિલેશભાઈ કૈલા (નોડલ અધિકારી)ના સુચારૂ આયોજન થી, 6 તાલુકા શાળાના HTAT આચાર્યો(રૂટ સુપરવાઇઝર), 18 શિક્ષક ભાઈ – બહેનો(મદદનીશ રૂટ સુપરવાઇઝર)ના માઇક્રો પ્લાનિંગના કારણે પ્રવાસને સંપૂર્ણ સફળતા બક્ષવામાં આવી હતી.
આ પ્રવાસમાં લોક વિજ્ઞાન કેન્દ્ર – મોરબીના દીપેનભાઈ ભટ્ટ જોડાયા હતા.
નિઃશુલ્ક પ્રવાસને સંપૂર્ણ સફળતા બક્ષવા કોઠાસૂઝ, પ્રમાણિકતા, ઈમાનદારી, સમજદારી, વફાદારી અને નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી અદા કરવા બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી – મોરબી દિનેશભાઈ ગરચરે સૌ શિક્ષક-ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.