મોરબીના તમામ તાલુકાઓમાં 24 તથા 26 ઓક્ટો. આયુર્વેદ- હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે
કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અનુરોધ કરાયો
મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ‘૯ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુર્વેદ – હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૨૪ ઓક્ટોબરના રોજ સવારે ૦૯:૦૦થી ૧૨:૩૦ દરમિયાન હળવદ તાલુકામાં સરકારી દવાખાનું – ચરાડવા, વાંકાનેર તાલુકામાં સેવા સહકારી મંડળી – વાલાસણ, માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ તથા ૨૬ ઓક્ટોબરના રોજ મોરબી તાલુકામાં નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ – મોરબી ખાતે આયુર્વેદ – હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં નિદાન સારવાર, દિનચર્યા, ઋતુચર્યા, વિરુદ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ અને યોગનું મહત્વ તથા યોગ અભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપતા ચાટ પ્રદર્શન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવીણ વડાવિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.