લાભાર્થી પરિવારોને સરકારની વિવિધ યોજનાઓના લાભો અપાયા
મોરબીમાં જિલ્લા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કલેકટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને શેરીમાં રહેતા ૩૦ બાળકોને શૈક્ષણિક કીટ, ટ્રેકશૂટ તેમજ ૧૪ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો અપાયા હતા. આ પ્રસંગે કલેકટર જી. ટી. પંડયાએ જણાવ્યું હતું કે શેરીમાં રહેતા બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેમજ ભણવા માટે જરૂરી સાધનો મળી રહે અને આવા બાળકોના પરિવારોને સરકારની વિવિધ યોજનાઓના લાભો મળી રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખુબજ પ્રયત્નશીલ રહે છે. શેરીમાં રહેતા પરિવારોમાં વ્યક્તિની લાયકાત પ્રમાણે સ્વરોજગાર આપવા માટે વહીવટી તંત્ર હમેશા સાથ આપી રહ્યું છે. અધિકારીઓએ બાળક તેમજ તેમના પરિવારો સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં પરિવારોને પડતી મુશ્કેલી અને તેના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી
કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર કે બાળક સરકારની લોક કલ્યાણની યોજનાથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા વિવિધ ઝુંબેશો ચલાવવામાં આવે છે, વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. વંચિત અને જરૂરિયાતમંદ પરિવારોની સાથે સાથે શેરીઓમાં રહેતા બાળકો કે તેમના પરિવારો પણ સરકારની યોજનાઓનો લાભ મેળવી સામાન્ય પ્રવાહમાં આવી શકે તે માટે એક ઉમદા અભિગમ પણ સરકાર દ્વારા કેળવવામાં આવ્યો છે. મોરબીની શેરીઓમાં રહેતા બાળકોની નોંધણી અને સર્વે કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં સરકારના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા અભિગમ અંતર્ગત CISS (Child In Street Situation- શેરીમાં રહેતા બાળકો) માટે ૨૦૨૧માં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અંતર્ગત બાળ સ્વરાજ પોર્ટલ પર મોરબી જિલ્લાના ૦ થી ૧૮ વર્ષના ૩૧ બાળકો નોંધાયેલા હતા જેમાં ૧ બાળકનું રાજકોટ જિલ્લામાં સ્થળાંતર થયેલ છે.