મોરબી શહેરના 45 હિન્દુ મંદિરોને અકબંધ રાખવા કલેકટરને રજૂઆત
મોરબી: મોરબી નગરપાલિકા દ્વારા નડતર રૂપ જગ્યાઓ પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબી શહેરના ૪૫ મંદિરોને નોટિસ ફટકારતા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય છે જેથી આ ૪૫ મંદિરોને અકબંધ રાખવા મોરબી જીલ્લા કલેકટરને હિન્દુ ધર્મના લોકો દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે.
મોરબી શહેરના હિન્દુ ધર્મના લોકો દ્વારા કલેકટરને પત્ર લખી લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તાજેતર માં મોરબી નગરપાલીકા દ્વારા મોરબી શહેરની હદમાં આવેલ ૪૫ પૌરાણિક હિન્દુ મંદિરોને નોટીસ ફટકારવામાં આવી છે. જે મંદિરો વર્ષોથી ત્યાં જ છે જેમાં હિન્દુ ધર્મના આરાધ્ય દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. અસંખ્ય હિન્દુઓની આસ્થા આ મંદિરો સાથે જોડાયેલ છે. તેમજ વિવિધ કુદરતી તેમજ માનવસર્જીત આફતો સમયે આ જ મંદિરો દ્વારા તંત્ર સાથે ખભે ખભો મીલાવી વિવિધ બચાવકાર્યો તેમજ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ દરેક મંદિરો સાથે તમામ હિન્દુઓની આસ્થા જોડાયેલ છે.
આ મંદિરો ભુતકાળમાં જ્યારે બન્યા ત્યારે જે તે સમયના અધિકારીઓએ કોઈ પગલાં લીધેલ નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયેલ હોય, દેવી-દેવતાઓનો તેમાં વાસ હોય, લોકોની આસ્થા તેની સાથે જોડાયેલ હોય તે મંદિરોને અકબંધ રાખવામાં આવે.
વધુમાં પત્ર દ્વારા જણાવાયું હતુ કે એક પણ મંદિર શહેરના કોઈપણ રહીશો માટે અવરોધરૂપ નથી તેમજ ટ્રાફિક માટે અડચણરૂપ નથી તેથી તે મંદિરોને યથાવત રાખી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી ન દુઃભાય તે જોવા વિનંતી કરી છે. આ સાથે પત્રમાં યક્ષ પ્રશ્ન પુછવામાં આવ્યો છે કે શું મોરબીમાં ૪૫ મંદિરો જ ગેરકાયદેસર છે? બીજા કોઈ બાંધકામ મોરબીની હદમાં ગેરકાયદેસર છે જ નહીં ? મંદિરો ભુતકાળમાં જ્યારે બન્યા ત્યારે શા માટે સ્થાનિક તંત્રએ અટકાવ્યા નહિં ? મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકેલ હોય, હજારો હિન્દુઓની આસ્થા મુજબ સાક્ષાત દેવી-દેવતાઓ ત્યાં બિરાજમાન હોય, તેવા મંદિરો ને નોટીસ પાઠવી તંત્ર શા માટે હિન્દુ વિરોધી વલણ દર્શાવી રહ્યુ છે? એક બાજુ અયોધ્યામાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના ભવ્યાતિભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે યોજાઈ ત્યારે સમગ્ર વિશ્વ ના હિન્દુઓ વિજયોત્સવ મનાવી રહ્યા હતા અને બીજી બાજુ ગુજરાત રાજ્યના વિવિધ પ્રસ્થાપિત મંદિરોને દુર કરવા તંત્ર કવાયત કરી રહ્યુ છે તે સનાતન હિન્દુ સમાજ માટે લાંછન રૂપ છે. ત્યારે મોરબીના હિન્દુઓ દ્વારા મોરબીમાં રહેલ પૌરાણિક ૪૫ હિન્દુ દેવી-દેવતાઓના મંદિરોને અકબંધ રાખી, હિન્દુ સમાજની આસ્થાને કર્તવ્યપરાયણતા સમજી યોગ્ય કરવા કલેકટરને પત્ર દ્વારા રજૂઆત કરી.
