મોરબી મહાનગરપાલિકાની સિમાંકનની સંકલન સમિતિમાં કોંગ્રેસ પ્રમુખને સામેલ કરવા કલેકટરને રજૂઆત
મોરબી: મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે વિકસાવવા માટે સિમાંકન સંકલન સમિતિમાં મોરબી જીલ્લા કક્ષાના કોંગ્રેસ પ્રમુખનો સમાવેશ કરવામાં આવે તેવી કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી જીલ્લા કલેકટર તથા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી જીલ્લા કલેકટર તથા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ટુંક સમયમાં મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકા માં રૂપાંતરીત કરવામાં આવનાર છે. તેમાં મોરબી નગરપાલીકાના વિસ્તારને વધારીને મોરબી મહાનગરપાલીકામાં સમાવેશ કરવા સરકાર તરફથી નવા સીમાંકનો કરવામાં આવનાર છે. તેની સંકલન સમિતિમાં સરકારી અધિકારીઓ, સતાધારી પક્ષના નેતાઓ તેમજ ચુંટણીને લગતા બીજા પદાધિકારીઓની સંકલન સમિતિ બનાવવામાં આવે ત્યારે તેમાં વિરોધપક્ષના નેતા તરીકે કોંગ્રેસ પક્ષના જીલ્લા કક્ષાના પ્રમુખને કમિટીમાં સમાવવામાં આવે.
તેમજ આ અગાઉ જે તે વખતે સીમાંકન કરવામાં આવેલ ત્યારે ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાને લીધા વિના સતધારી પક્ષની અનુકુળતા મુજબ સીમાંકન કરવામાં આવેલ હતું. જેથી હવે પછી મોરબી નગરપાલીકામાંથી મહાનગરપાલીકા બને તો તેમાં મોરબી તથા ટંકારા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તાર આવી જતાં હોય, આ બંને તાલુકાના વિસ્તારની ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાને લેવા માટે કોંગ્રેસના મોરબી જીલ્લા કક્ષાના પમુખને નવા સીમાંકન સંકલન સમિતિમાં સામેલ કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે રજુઆત કરી છે.