મોરબી મહાનગરપાલિકા અને પુસ્તક પરબ દ્વારા લાયબ્રેરીઓનું પુસ્તક પ્રદર્શન યોજાશે
મોરબીના લોકોમાં પુસ્તકો વાંચન પ્રત્યે જાગૃતિ વધે તેવા ઉમદા હેતુથી કેસરબાગ ખાતે તારીખ 16 ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે 9 થી 11:30 કલાકે કેસરબાગ મોરબી ખાતે પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબી ખાતે કાર્યરત કેસરબાગ લાયબ્રેરી અને શાકમાર્કેટ પાસે આવેલ પબ્લિક લાયબ્રેરીના પુસ્તકો લોકો નિહાળી શકે તે માટે કેસરબાગમાં આ પુસ્તકોનું પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શન મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેના વરદ્દ હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. મોરબીની જાહેર જનતાને આ પ્રદર્શન નિહાળવા અને પોતાની પાસે રહેલ વાંચેલા પુસ્તકો લાયબ્રેરીને દાન કરવા અપીલ કરવામાં આવેલ છે.
છેલ્લાં આઠ વર્ષોથી મોરબીના સરદાર બાગ ખાતે યોજાતા પુસ્તક પરબ-મોરબીની ટીમનો પણ આ પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમમાં ભાગીદાર છે. આ પુસ્તક પરિચય – બુક ટોક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં મોરબીના પ્રસિદ્ધ કવિ જલરૂપ – રૂપેશ પરમાર અને રાજ્યકક્ષાની વાર્તા સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરનાર કાવ્યા પૈજા દ્વારા પુસ્તક પરિચય આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.