મોરબી: ગરમીના કારણે લુ લાગવાથી બચવા અને તકેદારી રાખવા લોકોને આરોગ્ય વિભાગની અપિલ
આરોગ્ય તંત્ર તરફથી લુ લાગવાના કેસો માટે જિલ્લા હોસ્પિટલ મોરબી તેમજ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ ખાતે અલગ ૫-૫ બેડ ની વ્યવસ્થા તેમજ ૫ સામુહિક આરોગ્ય કેંન્દ્રો ખાતે ૨ બેડ એમ કુલ ૨૫ બેડ ની વ્યવસ્થા કરેલ છે તેમજ જિલ્લામા આવેલ ૨૫ એમ્બુલન્સોમા લુ લાગવાના કેસોમા સારવાર થઇ શકે તે માટે આઇસપેક, આઇસબોક્સ, કોલ્ડ ટુવાલ, બિપી ઇન્સ્ટ્રુમેન્ટ, થર્મોમિટર, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમિટર, આઇ.વી. ઇન્ફ્યુજનની વ્યસ્થા કરેલ છે.
ગરમીના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા લોકોને અપીલ
હાલમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક) કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે. પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીરનું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી.
લુ લાગવાના લક્ષણો :
શરીર અને હાથ પગ દુ:ખવા, માથું દુ:ખાવુ, શરીરનું તાપમાન વધી જવું, ખુબજ તરસ લાગવી, ગભરામણ થવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, અતિ ગંભીર કિસ્સમાં ખેંચ આવવી.
લુ લાગવાથી બચવાના ઉપાયો:
ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્માં છત્રીનો ઉપયોગ કરવો, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું, સીધા સૂર્ય પ્રકાશ થી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું, દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું લીંબુ શરબત, નાળીયેર નું પાણી, ઓ.આર.એસ.વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા, નાના બાળકો, સગર્ભા માતા, વૃધ્ધો અને અશકત-બીમાર વ્યક્તિઓ એ તડકામાં વિશેષકાળજી રાખવી.
ઉલ્લેખનીય છે કે ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો,વાસી ખોરાક ખાવો નહિ. બજારમાં વેચતા બરફનો ઉપયોગ ટાળવો. સામાજિક પ્રસંગે દુધ માવામાં બનાવેલ ખાદ્યપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહેલ હોય તે ખાવા નહિ, ગરમીની ઋતુ માં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવુ, ચા-કોફી અને દારૂના સેવન થી લુ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું સેવન ટાળવું અને તાજા ફળોના રસનું સેવન કરવું.
માથાનો દુઃખાવો, બેચેની,ચક્કર આવવા,ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/હોસ્પિટલનો સંપર્ક કરવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.ડી.વી.બાવરવાની યાદીમાં જણાવવામાં આવેલ છે.